ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 'પોષણ ઉત્સવ-૨૦૨૫' અંતર્ગત જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની અધ્યક્ષતામાં ટેક હોમ રાશન (THR) અને મિલેટ્ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તથા જિલ્લાકક્ષાનો 'માતા યશોદા એવોર્ડ ૨૦૨૨-૨૩' વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર હીરાબહેન રાજશાખાએ પોષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, અત્યારે આધુનિક સમયમાં બાળકો આધુનિક ખોરાક એટલે કે જંકફૂડ તરફ વળી ગયા છે. જંકફૂડ આરોગવાથી કોઈ જ પ્રકારનું પોષણ મળતું નથી. જંકફૂડ એ બાળકોના પોષણને અવરોધે છે. જંકફૂડના બદલે મિલેટ્સમાંથી બનતી અવનવી વાનગીઓ બાળકને દૈનિક ભોજનમાં આપવી જોઈએ. મિલેટ્સની વાનગીઓ આરોગવાથી બાળકોને ભરપૂર પોષણ મળી રહે છે અને સાથે જ તેમના શરીરનો પૂરતો વિકાસ થાય છે. આમ કહી તેમણે મિલેટ્સની વાનગીઓ પર ભાર મૂક્યો હતો.
પોષણ ઉત્સવ-૨૦૨૫ ના ભાગરૂપે જિલ્લાકક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિત તમામ તાલુકાઓના આંગણવાડીના ૪૫ થી વધુ બહેનો દ્વારા પરંપરા અને નવીનતાના સંયોજન દ્વારા અનેકવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઘટક કક્ષાએથી ટેક હોમ રેશન (THR) અને મિલેટ્સ ('અન્ન') માંથી બનાવેલી કેક-સુખડી, બાજરીના પિત્ઝા, પૌષ્ટિક નૂડલ્સ, બાજરાની કટલેસ, સ્ટાર્ટર માટેની વાનગીઓ સહિતની પૌષ્ટિક વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. તજજ્ઞ ટીમ દ્વારા નિરીક્ષણ કરીને પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર અને હેલ્પરની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવવા માટે માતા યશોદા એવોર્ડ-૨૦૨૨-૨૩, પ્રમાણપત્ર અને ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, મદદનીશ ખેતી નિયામક વિમલભાઈ પટેલ, પ્રોગ્રામ આસિસ્ટન્ટ પોષણના નિકિતાબહેન, શિક્ષણશાખાના સિનિયર ક્લાર્ક મનીષાબહેન વાળા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રામીબહેન વાજા સહિત તમામ તાલુકાઓમાંથી હેલ્પર બહેનો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ