ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): વિજયાદશમીના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા હુડકો સોસાયટી ખાતે સ્થિત મહાકાલેશ્વર મંદિરે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પરંપરાગત રીતે વિજયાદશમીનો દિવસ સત્યનો અસત્ય પર, ધર્મનો અધર્મ પર અને ન્યાયનો અન્યાય પર વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ શુભ દિવસે શસ્ત્ર પૂજન દ્વારા શૌર્ય, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમના સંકલ્પને નવી પ્રેરણા આપવામાં આવે છે.
કાર્યક્રમ દરમિયાન વેદમંત્રોચ્ચાર સાથે વિધિવત્ શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ હતી. બજરંગ દળના કાર્યકરો તથા હિંદુ સમાજના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો અને રાષ્ટ્ર, ધર્મ તથા સમાજની રક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો. વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા દર વર્ષે વિજયાદશમીના પાવન દિવસે યોજાતા આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ દ્વારા શૌર્ય અને સાંસ્કૃતિક પરંપરાને જાળવી રાખવાનો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ