મોડાસા,3 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યના અવિરત વિકાસને ગતિ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી છે . જે પૈકી અરવલ્લી જિલ્લામાં ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો, બાયડમાંથી સાઠંબા નવો તાલુકો જાહેર કરવામાં આવ્યા છે.નવા તાલુકાની રચના થકી લોકોને જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે તેમજ નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થશે તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થશે.આજે સાબરકાંઠા મતવિસ્તારના સાંસદ શોભના બારૈયાના અધ્યક્ષસ્થાને શામળાજી તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના શુભારંભનો કાર્યક્રમ યોજાયો. આજના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા સાંસદ શોભના બારૈયાએ લોકોને નવી તાલુકો મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા અને આગામી સમયમાં નવીન તાલુકા થકી થનારા લાભ પણ જણાવ્યા.આજના કાર્યક્રમમાં લોકોને સંબોધન કરતા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકએ જણાવ્યું કે નવીન તાલુકા થકી લોકોની કામગીરી સરળતાથી પૂર્ણ થશે. જિલ્લા વહિવટી તંત્રને વધુ સરળતાથી વિકાસ કામો આગળ ધપાવવામાં પણ મળશે. આ તાલુકા થકી લોકોને વહીવટી સુગમતા પણ થશે તેવી આશા વ્યક્ત કરી.તો ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડાએ લોકોને નવીન તાલુકા બદલ શુભકામનાઓ પાઠવી. આગામી સમયમાં જે વેગથી અરવલ્લી જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે તે જ વેગથી શામળાજી તાલુકાના વિકાસની પણ આશા વ્યક્ત કરી અને નવીન તાલુકાની ફાળવણી બદલ પ્રધાનમંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રી સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો.આજના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, પ્રાંત અધિકારી વિશાલ પટેલ, શામળાજી તાલુકા વિકાસ અધિકારી, શામળાજી મામલતદાર, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા સંગઠનના સભ્યો સહિત મોટી સંખ્યામાં સરપંચો અને નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ