પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-2025 ખુલ્લું મુકાયું હતું.પોરબંદરની મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ અને વિદ્વાન નરોત્તમ પલાણના હસ્તે સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન કલાસરલા-2025 નુ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ પ્રસંગે, પોરબંદર કલેક્ટર ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ, ડૉ. સુરેખાબેન શાહ, ડૉ.સુરેશ ગાંધી, ડૉ. ભરત ગઢવી તથા પોરબંદર ભાજપના પ્રમુખ ડૉ. ચેતના તિવારી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉદ્ઘાટન સમારંભની વિશેષ બાબત એ હતી કે, આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજના ડો.કેતકીબેન તથા કોલેજની વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જય પંડ્યાએ કર્યું હતું તેમજ કલાસરલા પરિવારના ભૂષણ ઓઝાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે ચિત્રકાર સરલાદેવી મઝૂમદારના ભત્રીજા પ્રણવ દેસાઈએ ચિત્રકારનો પરિચય અને એમના જીવન વિશેની માહિતી શ્રોતાઓને આપી હતી તેમજ આભાર વિધિ ઈનોવેટીવ આર્ટીસ્ટ ગ્રૂપના પ્રમુખ બલરાજભાઈ પાડલિયાએ કરી હતી.
કાર્યક્રમના ઉદ્ઘાટન સમયે, નરોતમઈ પલાણે ખાસ જણાવ્યું કે કેવી રીતે મહાત્મા ગાંધીજીનું સૌથી પહેલું તૈલ ચિત્ર ઇંગ્લેન્ડમાં બનેલું, અને ભારતને જ્યારે આઝાદી મળી એ વખતે ભાવનગરના અનંતરાય પટણીએ એ ચિત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિને ભેટ આપ્યું હતું. એ રીતે ગાંધીજીનો ચિત્રકલા સાથેનો અને આ ચિત્રોમાં ગાંધીચિત્રોની જે વિશેષતા છે, એનો સંબંધ એમણે જોડી આપેલો. કલેક્ટર ધાનાણીએ આ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોમાં ગાંધી પ્રત્યે વિશેષ જાગૃતતા આવશે. કાર્યક્રમમાં ઇનોવેટિવ ટ્રસ્ટના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, દિનેશ પોરીયા, દીપક વિઠલાણી, શૈલેષ પરમાર, કરશન ઓડેદરા તથા ધારા જોષી, રાજેશ કોટિયાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર પ્રદર્શનને સફળ બનાવવા કેતન રાજ્યગુરુ તથા તારક ઓઝાએ જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya