જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 'આરોગ્યસાથી પ્રોજેક્ટ' અંતર્ગત જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ ખાતે કર્મચારીઓ માટે બે દિવસીય સોફ્ટ સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૧૮-૦૮-૨૦૨૫ થી તા. ૨૫-૦૯-૨૦૨૫ સુધી ચાલેલી આ તાલીમ શિબિરમાં કુલ ૧૭ બેચમાં ૪૫૫ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ વર્કશોપનું મુખ્ય ફોકસ દર્દી સહાનુભૂતિ, ભીડ વ્યવસ્થાપન અને માનવીય અભિગમ જેવા અગત્યના મુદ્દાઓ પર રહ્યું હતું. આ તાલીમ આરોગ્યસાથી પ્રોજેક્ટના ટ્રેનર્સ વિપુલ પંડ્યા અને વૈશાલી ચુડાસમા દ્વારા આપવામાં આવી હતી. જેમાં હોસ્પિટલના ફ્રન્ટલાઈન કર્મચારીઓ જેવા કે સફાઈ કર્મચારીઓ, સિક્યોરિટી ગાર્ડ તથા કેસ વિન્ડો ઓપરેટર્સને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને હેલ્થ કેર સર્વિસમાં દર્દીઓ સાથે સંવેદનશીલતાથી વર્તવા, તેમની સમસ્યાઓ સમજવા અને માનવીય અભિગમ સાથે શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા અંગે માહિતગાર કરાયા હતા.
મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારી, અધિક તબીબી અધિક્ષક ડો. દિલીપ ગોહિલ, આર.એમ.ઓ. ડો. પી.આર સક્સેના, સિક્યોરિટી નોડલ ઓફિસર ડો. અજય તન્ના અને એ.એચ.એ. મયુરી સામાણીના સંકલન હેઠળ આયોજિત આ શિબિરના અંતે, દરેક બેચના તાલીમાર્થીઓને અધિકારીઓના હસ્તે સર્ટિફિકેટ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને ભેટ એનાયત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt