સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.)- મગોબમાં રહેતા વેપારીએ તેના બિલ્ડીંગમાં રાજસ્થાનના જૈન પરિવાર પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. અને તેના અવેજમાં 25.51 લાખ ચુકવી આપ્યા હતા. જોકે પાછળથી વસીયતનામાના વિવાદને પગલે દસ્તાવેજ નહી મળતા વેપારીએ સોદો કેન્સલ કરી સોદા પેટે આપેલા પૈસા પરત માંગતા જૈન પરિવારે પૈસા પરત નહી આપી મોબાઈલ બંધ કરી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મગોબ, અભિષેક રેસીડેન્સીમાં રહેતા અને રિંગ રોડની એનટીએમ માર્કેટમાં દુકાન ધરાવતા મનોહરલાલ મોહનલાલ રાઠી (ઉ.વ.53)એ તેના બિલ્ડિંગમાં 88.51 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો અને સોદા પેટે ફ્લેટના 25.51 લાખ મનોજ બંસતીલાલ જૈન, તેની પત્ની પૂર્ણિમાં બંસતીલાલ જૈન અને સુનિતા મનોજ જૈન(રહે, મનોહર ભવન, માણીકીનગર, ભીલવાડા, રાજસ્થાન)ને ચુકવ્યા હતા. આ ફ્લેટ બંસતીલાલ જૈન, પુર્ણિમાંદેવીનો સંયુક્ત માલીકીનો હતો અને બંને જણાએ હયાતીમાં જ તેના દીકરા સુનીલ જૈન અને તેની પત્ની રચના સુનીલ જૈનને 50 ટકાના વારસદાર બનાવી વસીયતનામું બનાવ્યું હતુ. છતાંયે પુર્ણિમાંદેવી, મનોજ અને તેની પત્નીએ સુનીતાએ ફ્લેટના અવેજ પેટે પૈસા લીધા બાદ દસ્તાવેજ બનાવવામાં વિવાદ થતા મનોહરલાલે તેને રોકાણ કરેલા રૂપિયા 25.51 લાખ પરત માંગતા આરોપીઓએ પૈસા પરત આપી દેવાના વાયદાઓ આપ્યા બાદ મોબાઈલ બંધ કરી છેતરપિંડી કરી હતી. પુણા પોલીસે મનોહરલાલ રાઠીની ફરિયાદ લઈ મનોજ, પુર્ણિમાદેવી અને સુનીતા મનોજ જૈન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે