અમરેલી, 4 ઓક્ટોબર (હિ.સ.): ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માની નિયુક્તિ થતા સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે. ભાજપના સમર્પિત અને સંઘર્ષશીલ કાર્યકર તરીકે લાંબા સમયથી પક્ષને સેવા આપતા જગદીશભાઈ વિશ્વકર્માને મળેલી આ જવાબદારીને સંગઠનશક્તિનો ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવવામાં આવી રહી છે.
અમરેલી શહેરમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, ભૂતપૂર્વ મંત્રી અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય મહેશ કસવાલા તેમજ રજાકભાઈ સહિત અનેક ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી આ પ્રસંગે આનંદ વ્યક્ત કર્યો હતો. સૌએ મળીને જગદીશભાઈ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપ વધુ મજબૂત બનશે, અને જનહિતના કાર્યોને વધુ ગતિ મળશે. આ અવસરે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે જગદીશભાઈ વિશ્વકર્મા હંમેશા જમીન સાથે જોડાયેલા અને સામાન્ય કાર્યકરના પ્રશ્નોને ઉકેલવા માટે પ્રતિબદ્ધ રહ્યા છે. તેમની સંગઠનક્ષમતા, સૌમ્ય સ્વભાવ અને સેવા ભાવના ભાજપને નવી ઉર્જા આપશે.
કૌશિકભાઈ વેકરીયાએ શુભેચ્છા પાઠવતાં કહ્યું કે “આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે કે ગુજરાતને એક અનુભવી અને સમર્પિત નેતૃત્વ મળ્યું છે.” અતુલભાઈ કાનાણીએ ઉમેર્યું કે “જગદીશભાઈના નેતૃત્વમાં ભાજપ વધુ મજબૂત બનશે અને ગુજરાતના વિકાસનો પંથ વધુ તેજીથી આગળ વધશે.”
આ પ્રસંગે કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ રહ્યો હતો અને “ભારત માતા કી જય”ના નારા સાથે સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમ અને સંગઠનશક્તિની ઝલક જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai