પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (RSS) વિજયાદશમીના દિવસે તેના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણની આર્યાવ્રત નિર્માણ સંસ્થાએ પર્યાવરણ, રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણ માટે ‘કેશવ માધવ તપોવન’ નામે 100 વૃક્ષોનું પીપળવન મહાકાળી ઓક્સિજન પાર્ક નોરતા ખાતે બનાવ્યું છે. આ પવિત્ર વૃક્ષારોપણ કાર્ય સંઘના સ્થાપક ડો. કેશવ બલીરામ હેડગેવારજી અને પૂજ્ય ગુરુજીની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પૂજ્ય સંત સ્વામી નિજાનંદજી મહારાજ, પ્રોફેસર ડો. નવીનભાઈ પ્રજાપતિ, ડો. નિખિલભાઈ ખમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 51 શક્તિપીઠની 51 વૃક્ષો સ્થાપન કરનાર દીકરીઓને પર્યાવરણપ્રેમી મહેન્દ્રભાઈ પટેલે પ્રમાણપત્રો અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા. ઉપસ્થિત સભ્યો દ્વારા વૃક્ષારોપણ સાથે શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું.
પૂજ્ય સંત સ્વામી નિજાનંદજી મહારાજે પર્યાવરણ જતન દ્વારા રાષ્ટ્રને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની પ્રેરણાદાયી વાત કરી, જ્યારે નવીનભાઈ પ્રજાપતિ અને નિખિલભાઈ ખમાર દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ લાવવા આહવાન કરાયું. આ રીતે આ વિશેષ પહેલ દ્વારા રાષ્ટ્ર અને પર્યાવરણ બંને માટે મહત્વપૂર્ણ સંદેશ પ્રસારિત થયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ