અમરેલી, 4 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે છેલ્લા 24 કલાકથી હળવો કરંટ અનુભવાતો જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા “શક્તિ” નામના વાવાઝોડાના પ્રભાવને કારણે દરિયામાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે. તટિય વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે પોર્ટ અધિકારીએ 3 નંબરનું ચેતવણી સિગ્નલ ફરમાવ્યું છે. આ સાથે જ જાફરાબાદ સહિત સમગ્ર તટીય પટ્ટાના માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ “શક્તિ” વાવાઝોડું હાલમાં અરબી સમુદ્રના મધ્ય ભાગમાં સક્રિય છે અને તે ઉત્તર-પૂર્વ દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. આવતા બે દિવસમાં વાવાઝોડાની તીવ્રતા વધુ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના પગલે તટીય વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસન અને દરિયાકાંઠા પર તૈનાત તટરક્ષક દળો સાવચેત સ્થિતિમાં છે. જાફરાબાદ બંદર પર લાઈટહાઉસ વિભાગ અને ફિશરી વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બંદરે ખડકાયેલ નાવિકોને સલામત જગ્યાએ ખસેડવા અને કોઈ પણ પરિસ્થિતિમાં દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.
માછીમાર સમુદાયને એલર્ટ કરતા તંત્રએ જણાવ્યું છે કે હાલની પરિસ્થિતિમાં સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. દરિયાકાંઠાના ગ્રામજનોને પણ અનાવશ્યક રીતે દરિયા પાસે ન જવાની અપીલ કરાઈ છે. વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો વધુ ઊંચા સ્તરનું ચેતવણી સિગ્નલ પણ જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai