પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): શિયાળુ વાવણીની સિઝન શરૂ થતાં જ પાટણ જિલ્લાના ખેડૂતોને કપાસ અને એરંડાના પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર ઊભી થઈ છે. આજે પાટણ જિલ્લા સહકારી ખરીદી અને વેચાણ સંઘમાં ખાતરનો જથ્થો આવતા જ ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહ્યા હતા. પરંતુ અછતના કારણે દરેક ખેડૂતને માત્ર ત્રણ થેલી યુરિયા ખાતર મળ્યું, જ્યારે સામાન્ય રીતે તેમને 15થી 20 થેલીની જરૂર હોય છે.
આ ગંભીર સ્થિતિ સામે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે સરકારે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. તેમણે જણાયું કે આવનારા દિવસોમાં તમાકુ વાવણીની સિઝન શરૂ થવાની છે, જેમાં યુરિયાની વધુ જરૂરિયાત રહે છે. તેથી હવે જો જથ્થાબંધ ખાતર ન અપાય તો ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી શકે.
કોંગ્રેસ પ્રમુખે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, એક તરફ સરકાર ખાતરની પૂરતી ઉપલબ્ધતાની વાત કરે છે, બીજી તરફ ખેડૂતોને માત્ર ત્રણ થેલી માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે, જે શરમજનક છે. તેમણે જણાવ્યું કે, ખેડૂત ખેતમજૂરીમાંથી સમય કાઢી લાઈનમાં ઊભા રહે છે અને છતાં પૂરતું ખાતર ન મળે તે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. કોંગ્રેસે માંગ કરી છે કે ખેડૂતોએ પાકને બચાવી શકે તે માટે યુરિયાની ઉપલબ્ધતા તાત્કાલિક વધારવામાં વધારવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ