સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.)- પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ મનિષ ડાંઈગ એન્ડ પ્રિન્ટીંગ મીલમાંથી જાબવર્ક કરાવ્યા બાદ બાકીના લેવાના નિકળતા રૂપિયા 11 લાખ નહી આપી છેતરપિંડી કરનાર કુબેરજી ડાર્ક માર્કેટના વેપારી સામે પોલીસમાં ગુનો દાખલ થયો છે.
પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ પુણાગામ, ભૈયાનગરમાં ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા અશોકસિંગ પુનમસિંગ રાજપુરોહિત પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ મનિષ ડાઈંગ એન્ટ પ્રિન્ટીંગ પ્રા.લીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. અશોકસિંગની કંપનીમાંથી છેલ્લા પંદર વર્ષથી સારોલીની કુબેરજી ડાર્ક નામની માર્કેટમાં મધુ ટેક્ષટાઈલના નામે ધંધો કરતા હરીશંકર અસોકકુમાર જાલન જોબવર્કનું કામ કરાવી તેનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ હરીશંકર જાલનએ 29 એપ્રિલ 2024ના રોજ 11,62,643નું જોબવર્કનું કામ કરાવ્યું હતું. જેમાંથી રૂપિયા 62,443 ચુકવ્યા હતા. જયારે બાકીના લેવાના નિકળતા રૂપિયા 11 લાખની અશોકસિંગ દ્વારા અવાર નવાર ઉઘરાણી કરતા હાલમાં મંદી ચાલે છે. બજારમાંથી ઉઘરાણી આવતી નથી. તેવુ કહી ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ ઉશ્કેરાઈને અશોકસિંગને હવે પૈસાની માંગણી કરવા આવશો તો તમને જાઈ લેવાની ધમકી આપી જોબવર્કના નિકળતા રૂપિયા 11 લાખ નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પાંડેસરા પોલીસે અશોકસિંગની ફરિયાદ લઈ હરીશંકર જાલન સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે