પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ગૌ આધારિત રોજગારી માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) કરવામાં આવ્યો છે. આ કરાર ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ-બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો. કન્વેન્શન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં GCCIના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશભાઈ જાની અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ હસ્તાક્ષર કર્યા.
આ MOUનો મુખ્ય હેતુ યુનિવર્સિટી સાથે સંલગ્ન 765 કોલેજોના આશરે 3 લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ આધારિત રોજગારીના નવા માર્ગો ખોલવાનો છે. યુનિવર્સિટી આગામી સમયમાં ગૌ વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરૂ કરવાનાં આયોજનમાં છે. સાથે જ ગૌ સંવર્ધન, ગૌ વિજ્ઞાન અને રોજગારલક્ષી પ્રવૃત્તિઓના સંશોધન માટે સહકાર વધારવાનો પણ ઉદ્દેશ્ય છે.
પ્રસંગે ડો. વલ્લભ કથીરિયાએ ગૌમાતાના આરોગ્યલક્ષી, આર્થિક અને પર્યાવરણીય ફાયદાઓ વિષે વિસ્તૃત રીતે વાત કરી. તેમણે ગાયના દૂધ, ગોબર અને મૂત્રમાંથી રોજગારી અને આવકના જુદા-જુદા માધ્યમો જેમ કે અગરબત્તી, કોસ્મેટિક્સ, દીવો, કુંડા, કલર વગેરેના ઉદાહરણો આપી. ગૌ-ટૂરિઝમ અને કુટીર ઉદ્યોગોના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરવાની વાત પણ કરી.
ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશ જાની અને યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પોરિયાએ ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતાનું સ્થાન, ગૌ સંવર્ધનની તાત્કાલિક જરૂરિયાત અને આજના યુગમાં તેના વિજ્ઞાનસહીત મહત્વની ચર્ચા કરી. ડો. જાનીએ બ્રાઉન રિવોલ્યુશનની વાત સાથે ગોબરથી સીએનજી બનાવવાની શક્યતાઓ રજૂ કરી. પ્રો. પોરિયાએ ગૌવંશને દેશનું ગૌરવ ગણાવી અને ગૌ સંવર્ધનને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવ્યું.
આ રીતે પાટણ યુનિવર્સિટીએ ગૌ-આધારિત રોજગારી માટે એક નવતર અભિગમ શરુ કર્યો છે, જે વિદ્યાર્થીઓ અને સમાજ માટે નવી તકોના દરવાજા ખોલે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ