પાટણ, 4 ઓક્ટોબર (હિ.સ.): પાટણ નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં સમાલપાટી વિસ્તારની ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. ૨ (ટી.પી.-૨) હેઠળ નગરપાલિકાને ફાળવાયેલા જાહેર હેતુના પ્લોટો અને રોડ-રસ્તાઓનું પુનઃ ડિમાર્કેશન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સરકારના અગાઉના જાહેરનામા અનુસાર તારીખ ૩-૭-૨૦૨૫થી આખરી યોજના અમલમાં આવી છે. અગાઉના ડિમાર્કેશનના ખૂંટ ભૂંસાઈ ગયા હોવાથી નવી એજન્સીની નિમણૂક કરી આ કાર્ય હાથ ધરાશે અને તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે.
શહેરની વિકાસ યોજના વધુ સુવ્યવસ્થિત બને તે હેતુથી TP શાખામાં બાંધકામ મંજૂરી તથા ઇમ્પેક્ટ ફીની અરજીઓ હવે મેન્યુઅલી નહીં, પરંતુ સંપૂર્ણપણે ઓનલાઈન અપલોડ થવાની રહેશે. ચીફ ઓફિસરે આ નવી પદ્ધતિ અમલમાં મૂકી છે, જેથી કાર્યમાં પારદર્શિતા અને ઝડપ આવે.
નિર્મળનગર વિસ્તારમાં રે.સ. નં. ૯૦૯/૨ પૈકી ૨ના ૨૬૭૬.૦૦ ચો.મી. વિસ્તારમાં અરજદારે ૧૨ મીટરના બદલે ૭.૫૦ મીટરનો આંતરિક રસ્તો રાખવાની માંગણી કરી હતી. તેમની દલીલ હતી કે જમીનની પાછળ કમ્પાઉન્ડ વોલ હોવાથી ૧૨ મીટરનો રસ્તો નિરર્થક છે, પરંતુ નગરપાલિકાએ આ અરજી નામંજૂર કરી હતી અને મૂળ યોજના પ્રમાણે ૧૨ મીટરનો રસ્તો જ રહેશે.
પાટણ નગરપાલિકા હદના જૂના અને નવા વિસ્તાર માટે નવી વિકાસ યોજના તૈયાર કરવા માટે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વડોદરાની એક એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. સમયસર કામ પૂર્ણ ન થતા છેલ્લા છ મહિનાનો મુદ્દત વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના દબાણોને દૂર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ