સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.)- ભાઠેના, મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ દુકાન ધરાવતા વેપારી સાથે 8.48 લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે. ઠગબાજે તેમની પાસેથી જોબવર્કના બહાને સાડીનો માલ લીધા બાદ ખાતુ બંધ કરી રફુચક્કર થઈ ગયો હતો. જેથી ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વેસુ, સોમેશ્વર સોસાયટી, સંમતિ સદન ખાતે રહેતા આલોક રામકૈલાશ જૈન (ઉ.વ.51) મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૪, ભાઠેના ખાતે કાસ્વી ક્રિએશનના નામે દુકાન ધરાવે છે. આલોકભાઈ પાસેથી 15 ઓક્ટોબર 2024થી 20 નવેમ્બર 2024 સુધીમાં નિલેશ વલ્લભ કુકડીયા (રહે,રચના સોસાયટી, કાપોદ્રા)એ જોબવર્ક માટે 1699 નંગ સાડીઓ લીધી હતા. એક સાડીની કિંમત 500 રૂપિયા લેખે કુલ રૂપિયા 8,45,500 થાય છે. નિલેશ કુકડીયાએ 15 દિવસમાં સાડી ઉપર જોબવર્ક કરાવી પરત આપવાનો વાયદો આપ્યો હતો. જોકે નક્કી કરેલ સમયમાં સાડી જોબવર્ક કરી પરત નહી આપતા આલોકભાઈએ ઉઘરાણી કરતા સાડી આપી દેવાની વાતો કર્યા બાદ ખાતુ બંધ કરી ભાગી ગયો હતો. ઉધના પોલીસે આલોકભાઈની ફરિયાદને આધારે નિલેશ કુકડીયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે