ગાંધીનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમનની અધ્યક્ષતામાં અને ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ‘તમારા પૈસા, તમારો અધિકાર’ ટેગલાઈન હેઠળ રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનની શરૂઆત આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરથી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે અભિયાનની સફળતા માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે, આ ઝુંબેશ એક સરળ પણ શક્તિશાળી સંદેશ આપે છે કે નાગરિકો દ્વારા બચાવેલો દરેક રૂપિયો તેમને અથવા તેમના પરિવારને પરત કરવો જોઈએ. દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શન ફક્ત કાગળ પરની એન્ટ્રીઓ નથી, તે સામાન્ય પરિવારોની મહેનતથી કમાયેલી માહામૂલી મૂડી-બચત છે. આ બચત જે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને નાણાકીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
તેમણે કહ્યું હતું કે, 31 ઓગસ્ટ,2025 સુધીમાં વિવિધ બેંકોએ અંદાજે રૂ. 75 હજાર કરોડથી વધુ બિનદાવાપાત્ર થાપણો RBIને ટ્રાન્સફર કરી છે. આ ઉપરાંત RBI પાસે વીમા ક્ષેત્રમાં લગભગ રૂ.14 હજાર કરોડ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ. 3 હજાર કરોડ, કંપનીઓમાં રૂ. 9 હજાર કરોડ અને રૂ. 19 હજાર કરોડના મૂલ્યના શેર બિનઆયોજિત રીતે પડેલા છે. આમ, દેશમાં કુલ રૂ. 1.82 લાખ કરોડ અનક્લેમ્ડ છે, જો આ રકમ પરત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ખૂબ મોટો ફાયદો થશે.
વધુમાં, નાણા મંત્રીએ આ અભિયાનના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે 3 A's - જાગૃતિ, સુલભતા અને કાર્યવાહીના મહત્વ પર ભાર મૂક્યો હતો. જાગૃતિનો હેતુ દરેક નાગરિક અને સમુદાયને દાવો ન કરાયેલ સંપત્તિઓ કેવી રીતે શોધી શકાય તે વિશે માહિતગાર કરવાનો છે. સુલભતા સરળ ડિજિટલ સાધનો અને જિલ્લા-સ્તરીય આઉટરીચ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કાર્યવાહી સમયબદ્ધ અને પારદર્શક દાવાની પતાવટ પર ભાર મૂકે છે. સાથે મળીને, આ ત્રણ સ્તંભો નાગરિકો અને નાણાકીય સંસ્થાઓ વચ્ચેના અંતરને દૂર કરવામાં મદદ કરશે, સમુદાય જાગૃતિને પ્રોત્સાહન આપશે અને ખાતરી કરશે કે દરેક વ્યક્તિ ગૌરવ અને સરળતા સાથે તેમની યોગ્ય બચત પરત મેળવી શકશે.
નાણા મંત્રીએ તાજેતરના KYC અને RE-KYC ઝુંબેશમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો, ખાસ કરીને ગુજરાત ગ્રામીણ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓની સક્રિય ભૂમિકાનો પણ સ્વીકાર કરીને કહ્યું હતું કે, આ પ્રયાસોએ નાગરિકો અને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા વચ્ચેનું જોડાણ મજબૂત બનાવ્યું છે. ગામડાઓ અને નગરોમાં હાથ ધરવામાં આવેલા આવા પ્રયાસોથી ખાતરી થઈ છે કે લાભાર્થીઓ તેમની બચત અને હક સાથે જોડાયેલા રહે છે, જે વર્તમાન ઝુંબેશની સફળતા માટે મજબૂત પાયો સાબિત થશે. નાણા મંત્રીએ તમામ સંસ્થાઓને દાવો ન કરાયેલ નાણાકીય સંપત્તિ પર આ રાષ્ટ્રવ્યાપી પહેલમાં સમાન સમર્પણ અને આઉટરીચ આગળ વધારવા અનુરોધ કર્યો હતો, જેથી કોઈ પણ નાગરિક તેમના હકના પૈસાથી વંચિત ન રહે.
તેમણે કહ્યું હતું કે, આ અભિયાન એ જન ધન યોજના અને UPI થી લઈને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સુધી નાણાકીય સમાવેશમાં ભારતની વ્યાપક સિદ્ધિઓ પર આધારિત છે, જેથી નાગરિકો માત્ર નાણાકીય સેવાઓ સુધી જ નહીં પરંતુ જે હકદાર છે તે પણ પાછું મેળવી શકે. વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ એમ ત્રણ માસ દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચલાવવામાં આવશે. ડિજિટલ પ્રદર્શનો અને હેલ્પડેસ્ક નાગરિકોને તેમની દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓને સરળતાથી શોધી કાઢવા અને તેનો દાવો કરવામાં મદદ કરશે. જે નાગરિક-કેન્દ્રિત શાસન પ્રત્યે વડાપ્રધાનનરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા અને જીવનની સરળતા વધારવાના તેના વ્યાપક દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે.
ગુજરાતના નાણા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાંથી શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી 'તમારા પૈસા,તમારો અધિકાર' અભિયાન એ દેશના નાનામાં નાના માણસ માટે આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થશે. આ અભિયાન થકી બેંકના બચત ખાતામાં,વીમા કંપનીઓમાં, મ્યુચ્યુઅલ ફંડ તેમજ પેન્શન ક્ષેત્રે વર્ષોથી પડી રહેલા અનક્લેમ્ડ તેમના પોતાના હક્કના નાણા-પૈસા તેમને સન્માન સાથે પરત મળી રહ્યા છે. આ નાણા તેમના પરિવારમાં શિક્ષણ,આરોગ્ય સહિતના વિકાસ કામો માટે ઉપયોગી થશે જેના પરિણામે આવા પરિવારોના જીવન ધોરણમાં નોંધપાત્ર બદલાવ આવશે.
નાણા મંત્રી કનુભાઈએ કહ્યું હતું કે, ગુજરાતમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં અંદાજે રૂ. ૨,૫૦૦ કરોડ તેમજ વીમા કંપનીઓમાં અંદાજે રૂ. ૨૩૫ કરોડની રકમ અનક્લેમ્ડ પડી છે, જે આ અભિયાન થકી તેમને પરત કરવામાં આવશે. ગુજરાત સરકારના તમામ વિભાગોમાં આ પ્રકારની રકમ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવીને તેમના ઘર સુધી તેમના હક્કના નાણા પહોંચાડવામાં આવશે.
નાણાકીય ક્ષેત્રમાં અનક્લેમ્ડ એસેટ્સના કાર્યક્ષમ અને ઝડપી સમાધાનની સુવિધા હેતુ આ અભિયાનમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ બેંક દ્વારા આયોજિત પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી.
કેન્દ્રીય નાણા મંત્રી સહિત મહાનુભાવોના હસ્તે બેંક, મ્યુચ્યુઅલ ફંડ, કોર્પોરેટ ફંડ,વીમા, પીએમ જીવન જ્યોતિ વીમા યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના હેઠળ વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય નાણા મંત્રીના હસ્તે અભિયાન માટેની SOP તેમજ FAQ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં રાજ્યના નાણા વિભાગના અગ્ર સચિવ ડૉ. ટી. નટરાજન, નાણા વિભાગના સચિવ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ વિક્રાંત પાંડે, કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ભારતીય રિઝર્વ બેંક, સેબી, IRDA, PFRDA, IEPFA, સંબંધિત બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પેન્શન સંસ્થાઓ જેવી વિવિધ નાણાકીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાણા મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ (DFS) દ્વારા સંકલિત આ ઝુંબેશ, ભારતીય રિઝર્વ બેંક (RBI), સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI), પેન્શન ફંડ નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (PFRDA), અને રોકાણકાર શિક્ષણ અને સુરક્ષા ભંડોળ સત્તામંડળ (IEPFA), બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન સંસ્થાઓ સાથે એક સામાન્ય પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ