1 વર્ષ 2 મહિનામાં 11 રાજ્યો સ્કેટિંગ કરી 22000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી
ભરૂચ, 4 ઓક્ટોબર (હિ.સ.): સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્ય પ્રદેશના નવયુવાન રૂદ્રા પટેલ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રૂદ્રા પટેલે 9 ઓગસ્ટ 2024 ના રોજ મધ્યપ્રદેશનાં કટની જિલ્લાથી સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાની શરૂઆત કરી 11 રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે રોજનું 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે જે કુલ 22000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી આજની યુવા પેઢીને કોઈપણ શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહે સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવા અનુરોધ કર્યો હતો.
રૂદ્રા પટેલે તેના મનની વાત કરતા જણાવ્યું કે હરવા ફરવાનો શોખ પરંતુ પરિસ્થિતિ એટલી સારી ન હોવાથી તેમજ કાર અથવા બાઇકથી નહીં જઈ શકતા સ્કેટિંગથી ભારત યાત્રા કરવાનું નક્કી કર્યું અને સ્કેટિંગ પણ આવડતું નહી એટલે એ યુટ્યુબથી શીખી ભારતભરના 29 રાજ્યમાંથી હાલ 11 રાજ્ય 1 વર્ષ અને બે મહિનામાં પુરા કર્યા છે અને 2027 સુધીમાં આ સ્કેટિંગ યાત્રા પૂરી કરશે.દરેક રાજ્યમાં લોકોનો વહેવાર, વાણી અને વ્યવસ્થા અલગ અલગ જાણવા મળી ગુજરાતની મહેમાનગતિ અને લોકો ખૂબ સારા છે .યુવાનો મોબાઇલની દુનિયામાંથી બહાર આવો દેશ દુનિયા જુઓ જાણો અને ઠોકર ખાવ તો ઊભા થઈ શકશો તેવો સંદેશ આપવો છે. આ ઔપચારિક મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી રૂદ્રા પટેલને આ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રા સહી સલામતી અને સુરક્ષા પૂર્વક પૂર્ણ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ