પ્રતાપગઢના ખેડૂત ભુપતભાઈ લાઠીયાએ પ્રાકૃતિક ખેતીથી મેળવી 15 લાખની આવક
અમરેલી, 4 ઓક્ટોબર (હિ.સ.): ખેડૂત ભુપતભાઈ લાઠીયાની પ્રાકૃતિક ખેતીમાં સફળતા આજના સમયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે જમીનની ઉર્વરાશક્તિ ઘટી રહી છે અને ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્
પ્રતાપગઢના ખેડૂત ભુપતભાઈ લાઠીયાએ પ્રાકૃતિક ખેતીથી મેળવી 15 લાખની આવક


અમરેલી, 4 ઓક્ટોબર (હિ.સ.): ખેડૂત ભુપતભાઈ લાઠીયાની પ્રાકૃતિક ખેતીમાં સફળતા આજના સમયમાં કૃત્રિમ રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે જમીનની ઉર્વરાશક્તિ ઘટી રહી છે અને ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના ખેડૂત ભુપતભાઈ લાઠીયાએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતા મેળવતા ખેડૂતો માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.

ભુપતભાઈએ પોતાની 30 વીઘાની જમીન પર પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી છે. તેમના કહેવા મુજબ, તેઓ અમદાવાદમાં ગાય રાખે છે જ્યાંથી છાણ એકત્ર કરીને ખેતરમાં વાપરે છે. ઉપરાંત, લાઠી ખાતે આવેલી ગૌશાળામાંથી ગોમૂત્ર લાવીને તેનો ઉપયોગ જીવામૃત બનાવવા માટે કરે છે. ખેતરમાં મોટો ટાંકો બનાવવામાં આવ્યો છે જેમાં ગોમૂત્ર, છાણ અને અન્ય જૈવિક ઘટકો ભેળવીને જીવામૃત તૈયાર કરવામાં આવે છે. આ જીવામૃત પાકને સ્વાભાવિક રીતે પોષણ આપે છે અને જમીનની ઉર્વરાશક્તિ જાળવી રાખે છે.

ભુપતભાઈ હાલ કપાસ, શાકભાજી, ખારેક અને જામફળ જેવા પાકો ઉગાડે છે. તમામ પાકમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવતા ઉત્પાદનોની ગુણવત્તા ઉત્તમ રહે છે. માત્ર ગુણવત્તા જ નહીં, પરંતુ ઉત્પાદનમાં પણ સારું પ્રમાણ મળતું હોય છે. તેઓ જણાવે છે કે વર્ષે અંદાજે 15 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી લે છે, જે પ્રાકૃતિક ખેતીની સફળતા સાબિત કરે છે. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય લાભ એ છે કે તેમાં જમીન પર્યાવરણસ્નેહી રહે છે અને પાકમાં રાસાયણિક દવાઓના અંશ ન હોવાથી ઉત્પાદન આરોગ્યપ્રદ રહે છે. બજારમાં આવા ઉત્પાદનોને વિશેષ માંગ રહે છે. ભુપતભાઈના જણાવ્યા મુજબ, ખેડૂતો જો પ્રકૃતિ તરફ વળે તો તેઓ ખેતીમાં ખર્ચ ઘટાડીને વધુ નફો મેળવી શકે છે.

ખેડૂત ભુપતભાઈની આ સફળતા એનો પુરાવો છે કે મહેનત અને પ્રકૃતિ પ્રત્યેનો વિશ્વાસ હોય તો મોટા પાયે આવક મેળવી શકાય છે. તેમના ખેતરનું આયોજન અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેનો અભિગમ અન્ય ખેડૂતો માટે માર્ગદર્શક બની રહ્યો છે. આજના યુગમાં જ્યારે ખેતીમાં રાસાયણિક પદ્ધતિઓના કારણે ખેડૂતો દેવામાં ફસાઈ રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એક ટકાઉ અને નફાકારક વિકલ્પ સાબિત થઈ રહી છે. ભુપતભાઈ લાઠીયાની કહાની એ સ્પષ્ટ સંદેશ આપે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવીને ખેડૂત માત્ર પોતાની જમીન જ નહીં પરંતુ પ્રકૃતિનું પણ સંરક્ષણ કરી શકે છે, અને સાથે સાથે આરોગ્યપ્રદ અનાજ, ફળ-શાકભાજી ઉપલબ્ધ કરાવી સમાજને સાચી સેવા આપી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande