સુરત, 4 ઓક્ટોબર (હિ.સ.): દિવાળી પૂર્વે શહેરના અમરોલી વિસ્તારમાં સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડી આશરે 10,000 કિલોગ્રામથી વધુ નકલી ઘીનો જથ્થો કબ્જે લીધો છે, જેની કુલ કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાય છે. એસઓજીએ સ્થળ પરથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે — જયેશ મહેસુરીયા (38), અંકિત પંચીવાલા (36), સુમિતકુમાર મૈસુરીયા (35) અને દિનેશ ગેહલોત (32), બધા જ અમરોલી વિસ્તારમાં રહેતા અને મૂળ ડીસાના રહેવાસી છે.
તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ફેક્ટરીઓમાં ઘી બનાવવામાં વેજિટેબલ ઘી, સોયાબીન તેલ, પામતેલ અને હળદર અથવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, જ્યારે તેમાં મૂળ ઘીનો અણસાર પણ નહોતો. એસઓજીએ કુલ 9,919 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી અને મશીનરી, કાચો માલ સહિત રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ નકલી ઘી કયા બ્રાન્ડના નામે બજારમાં સપ્લાય થતું હતું અને શહેરમાં તેના વિતરણની ચેઇન કેટલી મોટી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે