પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરના ઐતિહાસિક સિદ્ધિ સરોવરના સુંદરતા વિકાસ માટે ₹4.20 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન પ્રોજેક્ટ અમૃતમ યોજના 2.0 હેઠળ શરૂ થયો છે. પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ અને નગરપાલિકા પ્રમુખ હીરલબેન પરમારના હસ્તે મંત્રોચ્ચાર સાથે ખાતમહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરસેવકો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોજેક્ટ અંતર્ગત સરોવર આસપાસ રેલિંગ, વોકવે, ડેકોરેટિવ વોલ, ગાર્ડન, સ્ટ્રીટલાઈટ, ગઝીબો, ટોયલેટ બ્લોક, ઈરિગેશન વર્ક અને સીસીટીવી કેમેરા જેવી કુલ 11 આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. કામગીરી આગામી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સિદ્ધિ સરોવર, જેને અગાઉ ખાન સરોવર તરીકે ઓળખાતું, તે પાલિકા દ્વારા નામકરણ પામ્યું છે. પાટણના સાડેસરા પાર્ટી વિસ્તારમાં આવેલું આ સરોવર લગભગ 120 વિઘાના વિસ્તારમાં પથરાયેલું છે અને 2005થી કલ્પસર વિભાગ હેઠળ આવે છે. તેમાં પ્રાચીન ગજરનાળા અને બાંધકામો પણ જોવા મળે છે. નર્મદાનું પાણી પદ્મનાભ જંક્શનથી પાઈપલાઇન મારફતે લાવીને ખુલ્લી કેનાલ દ્વારા આ તળાવમાં ઠાલવવામાં આવે છે, જ્યાંથી પાણી શુદ્ધ કરીને શહેરીજનોને પીવા માટે આપવામાં આવે છે.
છેલ્લા પાંચ વર્ષમાં આ સરોવરમાં આત્મહત્યાના આશરે 40 બનાવો બન્યા છે, જેમાંથી મોટાભાગના કિસ્સાઓમાં મૃત્યુ થયાં હતાં. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરાઈ હતી, તેમ છતાં આ સ્થિતિએ ગંભીરતા અપાવી છે. બ્યુટિફિકેશન સાથે સુરક્ષા વધારવી અનિવાર્ય બની હતી. નવા પ્રોજેક્ટ દ્વારા આ તળાવને સુરક્ષિત અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બનાવવાની આશા છે, જેથી આવા દુઃખદ બનાવોને અટકાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ