સાવરકુંડલામાં ₹6.50 કરોડના બોક્સ કલવર્ટ બ્રીજ માટે મંજૂરી, નાગરિકોને મળશે ટ્રાફિકથી રાહત
અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર-9, રામજીમંદિર કેવડા પરા વિસ્તારમાં નાવલી નદી ઉપર બોક્સ કલવર્ટ બ્રીજના નિર્માણ માટે સુધારેલા જોબ નંબર મુજબ કુલ ₹6.50 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. વર્ષોથી આ વિસ્તારના નાગરિકો નદી પર પૂર આવતા અ
સાવરકુંડલાના વોર્ડ નંબર-9માં ₹6.50 કરોડના બોક્સ કલવર્ટ બ્રીજ માટે મંજૂરી — નાગરિકોને મળશે ટ્રાફિકથી રાહત


અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર-9, રામજીમંદિર કેવડા પરા વિસ્તારમાં નાવલી નદી ઉપર બોક્સ કલવર્ટ બ્રીજના નિર્માણ માટે સુધારેલા જોબ નંબર મુજબ કુલ ₹6.50 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. વર્ષોથી આ વિસ્તારના નાગરિકો નદી પર પૂર આવતા અવરજવર માટે મુશ્કેલીઓનો સામનો કરતા હતા. ખાસ કરીને વરસાદી સિઝનમાં નદી ભરાય જતા માર્ગ સંપૂર્ણ બંધ થઈ જતો હતો, જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ, કામદારો અને વેપારીઓને ભારે તકલીફ થતી હતી.

સ્થાનિક નાગરિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાને લઈને આ મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને અંતે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી છે. ₹6.50 કરોડના આ બોક્સ કલવર્ટ બ્રીજનું નિર્માણ પૂર્ણ થતાં રામજીમંદિર વિસ્તાર, કેવડા પરા, તેમજ આસપાસના નાગરિકોને સીધી રીતે સુવિધા મળશે. નવો બ્રીજ માત્ર પરિવહન માટે જ નહીં, પણ શહેરના વિકાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ માઈલસ્ટોન સાબિત થશે.

બ્રીજના નિર્માણથી નાવલી નદી ઉપર આવાગમન સરળ બનશે અને પૂર જેવી સ્થિતિમાં પણ વાહનવ્યવહાર ચાલુ રહી શકશે. આ સાથે વિસ્તારના વેપાર અને આર્થિક પ્રવાહમાં વૃદ્ધિ થવાની પણ આશા છે. સ્થાનિક લોકોએ આ નિર્ણયનું હર્ષપૂર્વક સ્વાગત કર્યું છે અને ધારાસભ્ય મહેશભાઈ તથા પાલિકાના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે.

ધારાસભ્ય મહેશભાઈએ જણાવ્યું કે, “સાવરકુંડલાનો સર્વાંગી વિકાસ અમારું ધ્યેય છે. લોકોની સમસ્યાઓને સમજીને સરકાર દ્વારા ઝડપથી જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ ચાલુ છે.” આ મંજૂરીથી શહેરના નાગરિકોને વર્ષો જૂની મુશ્કેલીમાંથી રાહત મળશે અને સાવરકુંડલાના શહેરી વિકાસમાં એક નવું પાનું ઉમેરાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande