ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 'શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫' ની ઉજવણીના ભાગ રૂપે, PM SVANidhi-૨.૦ યોજના હેઠળ એક મહત્ત્વપૂર્ણ FOSTAC (Food Safety Training & Certification) તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેક્ટર-૭ સ્થિત કમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરી સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓમાં ખાદ્ય સુરક્ષા (Food Safety) અને સ્વચ્છતા (Hygiene) અંગે જાગૃતિ વધારવાનો હતો, જેથી નાગરિકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સ્ટ્રીટ ફૂડ મળી રહે.
આ તાલીમ કાર્યક્રમમાં ગાંધીનગર શહેરના કુલ ૪૦૦ જેટલા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.એમ. ભોરણીયા, ફૂડ સેફટી ઓફિસર હેમેન્દ્રસિંહ વાઘેલા, કેમિસ્ટ ફૂડ સેફટી વિભાગના પિયુષભાઈ ગોરીયા તેમજ ડે. NULM (નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન) યોજનાના મેનેજર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) ના અધિકૃત ટ્રેનર અમીબેન હાજી દ્વારા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી અપનાવવા અંગે પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન, મુખ્યત્વે સ્વચ્છતા અને સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ખાદ્ય પદાર્થોની તૈયારી, સંગ્રહ અને વેચાણ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા (જેમ કે હેન્ડગ્લોઝ અને એપ્રોનનો ઉપયોગ) અને સ્થળની સ્વચ્છતા જાળવવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવી રીતે ટાળવી અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવો, તે વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફેરિયાઓને FOSCOS (Food Safety Compliance System) સાઇટ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને FSSAI પ્રમાણપત્ર કેવી રીતે સરળતાથી મેળવવું તેની પ્રાયોગિક માહિતી ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
નાયબ મ્યુનિસિપલ કમિશનર જે.એમ. ભોરણીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત સ્ટ્રીટ ફૂડ એ શહેરની ઓળખ છે. આ પ્રકારની તાલીમ સ્ટ્રીટ ફેરિયાઓના વ્યવસાયને વધુ વ્યવસાયિક બનાવીને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી વિકાસના લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ ઉપરાંત, કાર્યક્રમમાં PM SVANidhi 2.0 યોજના હેઠળ મળવાપાત્ર લાભો તેમજ સરકારશ્રીની અન્ય યોજનાઓ વિશે પણ ફેરિયાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા, જે તેમના આર્થિક અને સામાજિક સશક્તિકરણમાં મદદરૂપ થશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય સુરક્ષાના ધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવતા રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ