ગીર સોમનાથ, 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં પણ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ‘વિકાસ સપ્તાહ’ના સુનિયોજીત આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી સમગ્ર જિલ્લામાં યોજાનાર શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું સુનિયોજીત અને સુચારૂ આયોજન થાય એ માટે સંલગ્ન તમામ વિભાગો પાસેથી તૈયારીઓની માહિતી મેળવી અને માર્ગદર્શિત કર્યાં હતાં.
પરસ્પર સુનિયોજીત સંકલન દ્વારા વિકાસ સપ્તાહના થીમ આધારિત કાર્યક્રમોમાં નાગરિકોની સહભાગીદારી સુનિશ્ચિત થાય એ જોવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ દ્વારા વિવિધ વિભાગો દ્વારા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી દરમિયાન દર્શાવાતા સમગ્ર કાર્યક્રમોની વિગતે રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુશાસન અને સર્વગ્રાહી વિકાસના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા, વિકાસ પદયાત્રા, અનેકવિધ ખાતમૂહુર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમો, યુવાઓ અને ઉદ્યોગજગતના વ્યાપારીઓ સાથે ટૉક શૉ, ઉદ્યોગ સાહસિકોના પ્રદર્શનનું આયોજન, શાળાઓમાં પ્રવચન અને ક્વીઝ, ભીંતચિત્રો, યુવાસશક્તિકરણ, પોષણ અને આરોગ્ય દિવસ સહિતના થીમ આધારિત કાર્યક્રમો, કલા અને સ્થાપત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, જિલ્લાના મહત્વના સ્થળોએ સુશોભન સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત આરોગ્ય, શિક્ષણ, રમતગમત, ખેતીવાડી, પી.જી.વી.સી.એલ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ