અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસના પાકને ભારે અસર પહોંચી છે. અમરેલીના સાંસદ ભરત સુતરીયાની પોતાની 18 વિધા જમીનમાં પણ મગફળીના પાથરા પલળી જતાં ફૂગ લાગી ગઈ અને કેટલાક દાણાઓ ઊગી નીકળ્યા છે. તેમણે જાત નિરીક્ષણ દરમિયાન ખેડૂતોની હાલત જોઈ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, “ખેડૂત ખુલ્લા મેદાનમાં સૂવે ને પાકને નુકશાન થાય તે દુઃખદ છે. ખેડૂતનો દીકરો તરીકે આ પીડા હું અનુભવી શકું છું.”
સાંસદ સુતરીયાએ જણાવ્યું કે અમરેલી લોકસભાના આશરે 900 ગામોમાં ખેતીપાકને ભારે નુકસાન થયું છે. તેમણે મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને રૂબરૂ રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય સહાય આપવા માંગણી કરી છે. તેમણે કહ્યું કે, “ખેડૂતને જેટલું નુકસાન થયું છે, એટલી સહાય આપવી જરૂરી છે, કારણ કે હાલની સ્થિતિ ગંભીર છે. જેટલી સહાય મળશે તે પણ ઓછી સાબિત થશે.”
સાંસદે આગળ જણાવ્યું કે સરકાર સેટેલાઇટ દ્વારા પાકની સ્થિતિના ફોટા લઈને હકદાર ખેડૂતોને સહાય પહોંચાડવા માટે હકારાત્મક અભિગમ અપનાવશે. તેમણે ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરવા સરકારને અપીલ કરી, જેથી ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળી શકે.
ભરત સુતરીયાએ ઉમેર્યું કે ભૂતકાળમાં પણ સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણયો લેતી આવી છે અને આ વખતે પણ સરકાર ખેડૂતોની સાથે ખભેખભો મળી ઊભી રહેશે. મગફળી ઉપરાંત કપાસના છોડ પણ વરસાદથી ભાંગી જતાં ખેડૂતોને વધારાનું નુકસાન થયું છે.
તેમણે આશા વ્યક્ત કરી કે અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યોના સંકલિત પ્રયાસો અને સરકારના સહકારથી લોકસભા ક્ષેત્રના ખેડૂતોને ન્યાય અને યોગ્ય સહાય મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai