પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી રવી સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે પ્રમાણે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી તેમજ હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવા જણાવ્યું છે.
પાકને નિંદામણ મુક્ત રાખવો જેથી નિંદામણને કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય અને અન અધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકાના ખેતી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને રૂબરૂમાં જાણ કરવી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ની કચેરીના નંબર 0286-2222053 પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી જાણ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદરની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya