પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): પાટણ-સિદ્ધપુર ચાર રસ્તા ખાતે એક ખાદ્ય તેલના વેપારી નરેશ મોદી સામે ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે પાટણની 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર, તા. 3-10-2025ના રોજ સંજય નામના વ્યક્તિએ નરેશ મોદીને ફોન કરીને અપશબ્દો બોલ્યા હતા અને બ્રાન્ડ લેબલની કોપી કરવાનો આરોપ મૂક્યો હતો. સંજયે નરેશભાઈને પોતાની દુકાને બોલાવીને મારવાની પણ ધમકી આપી હતી.
નરેશભાઈએ પહેલો ફોન કાપી નાખ્યા પછી પણ સંજય તરફથી વારંવાર ફોન આવી રહ્યો હતો અને ધમકીઓ અપાઈ રહી હતી. આ સતત ધમકીઓના કારણે નરેશભાઈ ભયભીત બન્યા છે. સંજયનો ધમકી ભર્યો વલણ અને બ્રાન્ડ લેબલના મુદ્દે થતાં આ વિવાદને નરેશભાઈએ ગંભીરતાથી લઇને પોલીસને જાણ કરી હતી.
નરેશ મોદી પાટણના જીઆઈડીસી વિસ્તારમાં જનતા ઓઈલ એન્ડ ડેપો નામની પેઢી ચલાવે છે, જ્યાં તેઓ ખાદ્ય તેલનો વ્યવસાય કરે છે. તેમની સામે થયેલી આ ઘટનાને કારણે વેપારીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. હવે પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ