ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ રહેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સના બીજા દિવસે આજે વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ભાગમાં ‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસ રી-એન્જિનિયરિંગ તેમજ ‘રિસર્વે એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલે માહિતીસભર ચર્ચા કરી હતી.
આ પરિચર્ચામાં ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ મનોજ જોશીએ દેશમાં વિભિન્ન રાજ્યોમાં જમીન સંપાદનની નોંધણી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની રેવન્યુને લગતી મોટા ભાગની માહિતી ઓનલાઇન હોવાથી કોર્ટ કેસ વખતે અરજદાર અને તંત્રના સમયની બચત થાય છે. આ ઉપરાંત મહેસૂલ વિભાગમાં સૌથી વધુ જમીનના વારસા, જમીનની હદ તેમજ જમીન સુધારણાના જૂના કેસ જોવા મળે છે. આવા કેસ રેવન્યુ કોર્ટમાં મોટા સમય સુધી પડતર રહેતા હોય છે, જેમનો ઝડપી નિકાલ થાય તે દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત મહેસૂલી અધિકારીઓ - કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
ચર્ચામાં ભાગ લેતા ડૉ. જયંતિ એસ.રવિએ મહેસૂલી અદાલતોના કેસોના સંદર્ભમાં વહીવટી પ્રક્રિયાઓમાં ફેરફારો લાવવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મહેસૂલી કેસો લાંબા સમય સુધી પેન્ડિંગ રહેવાના કારણે વ્યક્તિને થતા નાણાકીય, સામાજિક અને આર્થિક નુકસાન તેમજ વિવિધ સરકારી પ્રોજેક્ટ્સમાં વિલંબ સહિતના વિપરીત પરિણામો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, મહેસૂલી કેસોની વધતી જતી સંખ્યાની સમસ્યાના નિરાકરણ માટે માત્ર ટેકનોલોજીનો ઉપયોગ પૂરતો નથી. પરંતુ હાલની સિસ્ટમમાં રહેલી લાંબી અને જટિલ પ્રક્રિયાઓને સુધારવા માટે પ્રોસેસ રી-એન્જિનિયરિંગ કરવું અત્યંત આવશ્યક છે.
મહેસૂલી કર્મચારીઓ ચૂંટણીઓ, પૂર સહિતની આપત્તિઓ વખતે વ્યવસ્થાપન સહિતની અન્ય કામગીરી પણ કરતો હોવાથી ઘણી વાર પ્રક્રિયામાં વિલંબ થાય છે. તેમણે સિસ્ટમમાં વિવાદના યોગ્ય સમાધાન તરફ આગળ વધવા અને સેવા વિતરણ અભિગમ અપનાવવા પર, સંપૂર્ણ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા અને મહેસૂલી કર્મચારીઓને લીગલ બાબતોને લગતી તાલીમની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો.
ગુજરાતના મહેસૂલ નિરીક્ષણ કમિશનર રાજેશ માંજુએ જણાવ્યું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની માહિતી અને સુવિધાઓ ઓનલાઈન છે પણ અરજદારોને એની જાણકારી ન હોવાથી તેઓને પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી જવાની જરૂર પડે છે. જિલ્લા કલેકટર, પ્રાંત અને મામલતદારોએ NIC સાથે મળીને એવી એક ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવી પડશે જેના થકી અરજદાર તેના કેસની સૂનવણીનો સમય તેમજ તેના કેસમાં કરવામાં આવેલી કામગીરી, પ્રગતિ જાણી શકે. આમ કરવાથી અરજદાર અને અધિકારી બંનેનો સમય બચી શકશે અને વધુમાં વધુ કેસોનો નિકાલ થઈ શકશે તેમ કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
એસ.એસ.આર.ડી. રાજેશ મહેતાએ જમીન વહીવટમાં ઝડપી, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત કેસ નિકાલના લક્ષ્ય ને હાંસલ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને સ્માર્ટ ટેક્નોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીઓના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે રાજ્યના વર્તમાન પરિદ્રશ્યની રૂપરેખા આપી ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, AnyRoR QR કોડ, iORA અને વર્ચ્યુઅલ સુનાવણીઓ જેવી પહેલો વિશે વિગતે ચર્ચા કરી હતી.
વડોદરા કલેક્ટર ડૉ.અનિલ ધામેલિયાએ સ્પેશ્યલ રેવન્યુ કોર્ટ-૨૦૨૫ અને રેગ્યુલર રેવન્યુ કોર્ટ, કેસોના પ્રકાર, પરિણામ, મહેસૂલી કોર્ટ કેસોનું ડેટા વિશ્લેષણ અને નિકાલ કરાયેલા કેસો વિશે વિગતવાર સમજણ આપી હતી તો એન.આઈ.સી. ડી.ડી.જી. સંજય પાંડેયએ રેવન્યુ કોર્ટ કમ્પ્યુટરાઇઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS), ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન, લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) વિશે વિસ્તૃતમાં જાણકારી આપી હતી. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ લેન્ડ રેકર્ડ નિયામક અભિષેક વર્માએ હિમાચલ પ્રદેશના RMS પોર્ટલ, ત્યાંની વર્તમાન સ્થિતિ અને લેન્ડ રેકોર્ડ્સ એકીકરણ અને હિમાચલ પ્રદેશમાં મહેસૂલી પ્રક્રિયાઓ વિશેની વિગતવાર સમજણ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ