સાવરકુંડલા નજીક મોટી દુર્ઘટના: 5 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, વનવિભાગ રાત્રે પકડ મિશનમાં
અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): સિંહોના સામ્રાજ્ય તરીકે ઓળખાતા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાનો વસવાટ ઝડપથી વધતો જાય છે. હવે આ ચાર પગના આંતકની ચપેટમાં એક નિર્દોષ બાળકીના પ્રાણ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે 5
સિંહોના રાજ્યમાં દીપડાનો આતંક! સાવરકુંડલા નજીક મોટી દુર્ઘટના – 5 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, વનવિભાગ રાત્રે પકડ મિશનમાં


અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): સિંહોના સામ્રાજ્ય તરીકે ઓળખાતા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં દીપડાનો વસવાટ ઝડપથી વધતો જાય છે. હવે આ ચાર પગના આંતકની ચપેટમાં એક નિર્દોષ બાળકીના પ્રાણ ગયા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે 5 વર્ષની પરપ્રાંતીય ખેત મજૂરની દીકરી પર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે.

ગઈકાલે સાંજના સુમારે વિપુલ સાવલિયાની ખેતીમાં કામ કરતા ખેત મજૂર શેરુભાઈ પોતાની 5 વર્ષની દીકરી ચૂટકી સાથે ખેતરમાં કપાસના પાકમાં ખાતર નાખી રહ્યા હતા. એ દરમિયાન અચાનક જ એક નરભક્ષી દીપડો ખેતરમાં આવી ચડ્યો અને પિતાની આંખ સામે ચૂટકીને ઉપાડી લઈ ગયો. પિતા શેરુભાઈએ જીવના જોખમે દીપડાની પાછળ પથ્થર લઈને દોડ મારી દીપડાની ચુંગાલમાંથી દીકરીને છોડાવી લીધી, પરંતુ ત્યાં સુધીમાં ચૂટકીનું પ્રાણ ખંખેરું ઉડી ગયું હતું.

આ દુર્ઘટનાની જાણ થતાં જ વાડી માલિક વિપુલ સાવલિયા અને ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તરત જ વનવિભાગને જાણ કરવામાં આવી અને વનકર્મચારીઓની ટીમ રાતોરાત મોટા ભમોદ્રા પહોંચી ગઈ હતી. મૃતક ચૂટકીના મૃતદેહને વંડા સી.એચ.સી. સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. ચુટકી પોતાના પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરનું સંતાન હતું. દીપડાની સામે લડી દીકરીને બચાવનારા પિતા શેરુભાઈએ આ ઘટના વર્ણવી ત્યારે આંખોમાંથી આંસુના ધોધ વહેતા થયા હતા.

વાડી માલિક વિપુલ સાવલિયાએ જણાવ્યું કે, “ખેતરમાં અચાનક દીપડો ઘૂસી આવ્યો અને બાળકી પર હુમલો કર્યો. વનવિભાગને જાણ કરતાં ટીમ તરત પહોંચી ગઈ હતી. હવે ગામમાં ભયનું વાતાવરણ છે.” તેમણે ઉમેર્યું કે, “અમરેલી જિલ્લામાં સિંહો સાથે હવે દીપડાઓનો વસવાટ પણ વધી રહ્યો છે. વનવિભાગે આવી ઘટનાઓ પર કડક પગલા લેવાની જરૂર છે.”

આ પહેલાં પણ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં દીપડાના હુમલાની ઘટનાઓ નોંધાઈ છે. માનવ મૃત્યુના કિસ્સાઓ વધતા વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. સાવરકુંડલા રેન્જ દ્વારા 2 પાંજરા ગોઠવીને મારણ મુકાયા છે, તેમજ રાત્રિના સમયે સ્કેનિંગ દ્વારા નરભક્ષી દીપડાને પકડવાની કવાયત શરૂ કરી છે.

સ્થાનિક લોકો અને ખેડૂતો હવે વનવિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે ગામની આજુબાજુ દીપડાના હલનચલન પર સતત નજર રાખી ખેતમજૂરોની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande