ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગ્લોબલ કોન્ફેડેરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI), ગૌ વિશ્વ વિધ્યાપીઠમ અને હેમચંદ્રાચાર્યે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ વચ્ચે ગૌ સંવર્ધન, ગૌ- વિજ્ઞાન, અને ગૌ- રોજગાર વિષયક એમ ઓ યુ થયા. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે GCCIના ચેરમેન અને પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા, ગૌ વિશ્વ વિદ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશભાઈ જાની અને યુનિવર્સિટીના કુલપતી પ્રો. કે સી પોરિયાએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ૭૬૫ કોલેજોના ત્રણ લાખ વિદ્યાર્થીઓ માટે ગૌ – આધારિત રોજગારી સર્જનની નવીન તક ઉપલબ્ધ થાય તે માટે એમ ઓ યુ કર્યા હતા. યુનિવર્સિટી આગામી દિવસોમાં ગૌ – વિજ્ઞાન આધારિત અભ્યાસક્રમ પણ શરુ કરશે.
આ પ્રસંગે GCCIના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, ગૌ – સંવર્ધન એ ૧૦૦ રોગોની એક રામબાણ દવા છે. સામાજિક, આર્થિક, આરોગ્ય અને પર્યાવરણીય અનેક સમસ્યાઓનો ઉકેલ ગૌ માતા દ્વારા મળી શકે છે. ગાય સામાન્ય રીતે ૨૫ વર્ષનું આયુષ્ય ધરાવે છે. જે તેના જીવનકાળમાં ૨૨ ગૌ વંશ આપે છે. ગાયનું દૂધ, મૂત્ર અને છાણ એ તમામ વસ્તુઓ થકી આજે આવક મેળવી શકાય છે. પર્યાવરણ રક્ષા, પ્રાકૃતિક ખેતી, કેન્સર જેવા રોગો સામે રક્ષણ, બધું જ ગાય થકી મળતી વસ્તુઓથી શક્ય છે. એટલે જ કહ્યું છે “ગૌ વિશ્વ માતરમ”. તેમણે ગાયના મૂત્ર, અને છાણમાંથી બનતી અગરબતી, કોસ્મેટીક વસ્તુઓ, દીવા, કુંડા, અને કલર થકી ગૌ – પાલકો નાના કુટીર ઉદ્યોગો થકી રોજગારી મેળવી શકે છે તેમણે આવા ઉત્પાદનો થકી આર્થિક રીતે પગભર થયેલા સફળ લોકોના ઉદાહરણો આપ્યા હતા.
તેમણે વિદ્યાર્થીઓને ગૌ – વિજ્ઞાનના પ્યાસી બનવાની સલાહ સાથે ઉત્તર ગુજરાતમાં ગૌ – ટુરીઝમ ઉભું કરવાની અપીલ કરી હતી.
હિન્દી બાઈટ – ડો. વલ્લભભાઈ કથીરિયા – જી સી સી આઈ – ચેરમેન
આ પ્રસંગે ગૌ વિધ્યાપીઠમના કુલગુરુ ડો. હિતેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી પીડાય છે. ત્યારે ભારતીય સંસ્કૃતિનો આધાર માનતી ગૌ માતા આ સમસ્યાનો ઉકેલ છે. તેમણે વ્હાઈટ રીવોલ્યુશન બાદ ગાયના ગોબર – મૂત્ર થકી બ્રાઉન રીવોલ્યુશન લાવવા આહ્વાન કર્યું હતું, તેમણે આજની રાસાયણિક ખેતી અને જંતુનાશક દવાઓથી કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. બી પી, ડાયાબિટીસ, હ્ર્ય્દય રોગ જેવી બીમારીઓથી ગાય બચાવી શકે છે. ભારતની આઝાદી વખતે ૧૯૪૭ માં ૩૦ કરોડ લોકો સામે ૯૦ કરોડ ગાયો હતી આજે ૧૩૦ કરોડ જનસંખ્યા સામે ૯ કરોડ બચી છે જે આપણું દુર્ભાગ્ય છે. ભારતમાં કૃષિ આધારિત અને ગ્રામીણ વિકાસ માટે ગૌ સંવર્ધન અનિવાર્ય છે. તેમણે ગૌ ગોબર થકી સી એન જી ગેસ બનાવી વેચી શકાય છે તે વાત પ્રસ્તુત કરી અનેક વૈજ્ઞાનિક તથ્યો રજુ કરી ગાયના સંવર્ધન અને રોજગાર એ દેશની મોટી સેવા હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતી પ્રો. કે સી પોરીયાએ જણાવ્યું હતું કે. આપની યુનિવર્સિટી આપણું ગૌરવ છે તેમ ગૌ વંશ દેશનું ગૌરવ છે. વેદ સાહિત્યથી લઈ વર્તમાન વિજ્ઞાનમાં ગાય સૌના તારણહાર છે. વધતી જતી ભાગદોડ વાળી જીવનશૈલીમાં લોકો અનેક રોગોનો ભોગ બન્યા છે ત્યારે જો દેશ ફરીથી ગૌ – સંવર્ધન થકી તેની રાહ પકડશે તો ચોક્કસ ભારત સોનાની ચીડિયા બનશે.
આ પ્રસંગે યુનીવર્સીટીના ડે. રજીસ્ટ્રાર કમલભાઈ મોઢ, સમાજકાર્ય વિભાગના વડા ડો ગાર્ગીબેન, ડો. રોશનભાઇ, ડો. નિશાબેન સહીત વિવિધ વિભાગના અધ્યાપકો, ઉત્તર ગુજરાતના ગૌ પ્રેમીઓ, અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ