પાટણ, 5 ઓક્ટોબર (હિ.સ.): ચાણસ્મા તાલુકાના ખારીધારીયાલ ગામ નજીક આવેલા એક ફાર્મહાઉસમાં ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નિવૃત્ત શિક્ષક મોતીભાઈ મૈજીભાઈ રબારીના બંગલામાં 1 ઓક્ટોબરથી 2 ઓક્ટોબર, 2025 વચ્ચે આ ઘટના બની હતી. મોતીભાઈ બંગલાને તાળું મારી ઘરે ગયા હતા, અને સવારે પરત ફર્યા ત્યારે મુખ્ય ગેટનું તાળું તૂટેલું મળ્યું હતું. ખેતરમાં કાચા રસ્તે વાહનના ટાયરના નિશાન પણ જોવા મળ્યા હતા.
જ્યારે મોતીભાઈ બંગલામાં પ્રવેશ્યા ત્યારે દરવાજો ખુલ્લો હતો અને પાછળની બારીના બે સળિયા તૂટેલા હતા. અંદર ત્રણ બેડરૂમ અને એક હોલમાં સામાન વેરવિખેર પડ્યો હતો, જે દર્શાવે છે કે તસ્કરો ઘરમાં બારીકાઈથી તપાસ કરી ગયા હતા. ચોરોએ ઘરવખરીમાંથી મોટા પ્રમાણમાં સામાન ચોરી કર્યો છે.
ચોરોએ બંગલામાંથી 20,000ની બે તિજોરી, 50,000નું ફ્રિજ, 5,000ની ઘરઘંટી, 2,000નું મિક્સર, 1,000નું ગ્રાઈન્ડર, 21,000ના 14 ખાટલા, 5,000ના પાંચ ગાદલા, 2,500ની પાંચ રજાઈ, 2,500ના બ્લેન્કેટ, 2,500ના ધાબળા, 500ના ઓશીકા, 1,000ની ચાદર અને 500ની બે ડોલ મળી કુલ અંદાજે ₹75,000નો મુદ્દામાલ ચોરી કર્યો છે. મોતીભાઈ રબારીએ ચોરી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ