ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી, ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા દશેરાથી દિવાળીના શુભ સમયગાળા દરમિયાન આયોજિત ભવ્ય શોપિંગ અને ફૂડ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલના હસ્તે સાંજે ૬:૦૦ કલાકે કુડાસણ ખાતેના વિશેષ ફૂડ ફેસ્ટિવલ સ્થળે આ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક અર્થતંત્રને ગતિ આપવાનો અને સ્વદેશી ઉત્પાદનો તેમજ ગૃહ ઉદ્યોગોને નગરજનો સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક વ્યાવસાયિક પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે. ઉદ્ઘાટન બાદ મેયર મીરાબેન પટેલ દ્વારા કુડાસણ સ્થિત ફૂડ અને ક્રાફ્ટ ફેસ્ટિવલમાં લગાવવામાં આવેલા સ્થાનિક ઉદ્યોગોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે સ્વદેશી વસ્તુઓ અને હસ્તકળાના પ્રદર્શનકર્તાઓ સાથે વાતચીત કરીને તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. મેયરએ જણાવ્યું હતું કે, આ પહેલ 'વિકસિત ભારત - ૨૦૪૭' તરફના અમારા પ્રયાસોને મજબૂત કરશે અને સ્થાનિક વેપારીઓને મોટું બજાર પૂરું પાડશે.
ફેસ્ટિવલને બે મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે:
૧. શોપિંગ ફેસ્ટિવલ: આ પહેલ ગાંધીનગરના મુખ્ય ત્રણ વિસ્તારો – સેક્ટર-૨૧, સેક્ટર-૨૪ અને કુડાસણ – માં શરૂ કરવામાં આવી છે, જ્યાં દુકાનદારો ગ્રાહકોને વિશેષ ડિસ્કાઉન્ટ આપી પ્રોત્સાહિત કરી રહ્યા છે.
૨. વિશેષ ફૂડ અને ક્રાફ્ટ ફેસ્ટિવલ: કુડાસણ વિસ્તારમાં, સરદાર ચોક પાસે, પ્રોમીનેન્ટ હોટેલની સામેના મેદાનમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળે અવનવી વાનગીઓ, ભારતીય હસ્તકળા, સ્વદેશી વસ્તુઓ અને ગૃહ ઉદ્યોગના ઉત્પાદનોના સ્ટૉલ્સની સાથે સાથે દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
ઉદ્ઘાટનના પ્રથમ દિવસે, ગાંધીનગરના સુપ્રસિદ્ધ 'રામસખા મંડળ' દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી, જેણે મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોનું ધ્યાન ખેંચ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા આ ફેસ્ટિવલ સ્થળને સુંદર લાઇટિંગ વડે શણગારવામાં આવ્યું છે, જેણે આ સ્થળને નગરજનો માટે 'સેલ્ફી પોઈન્ટ' તરીકે પણ આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાએ તમામ નગરજનોને આ ઉત્સવમાં ઉમંગભેર જોડાઈને સ્થાનિક વ્યવસાયો અને સ્વદેશી ઉત્પાદનોને સહયોગ આપવા માટે હાર્દિક અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ