ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): સ્વસ્થ નારી – સ્વસ્થ પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પોનું સફળ આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે “પોષણ માસ” પણ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નિયામક, આયુષની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી દ્વારા આરોગ્ય શાખાના સંકલનથી વિવિધ નિદાન-ઉપચાર કેમ્પો અને પરિસંવાદો યોજાયા હતા.
આ અભિયાન અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં કુલ ૬૮ નિદાન કેમ્પો યોજાયા જેમાં ૫,૧૭૫ દર્દીઓને આયુર્વેદ અને હોમિયોપેથી તબીબો દ્વારા મફત સારવાર અપાઈ. ઉપરાંત ૧૦,૦૦૦થી વધુ નાગરિકોને આયુર્વેદિક દિનચર્યા, ઋતુચર્યા, રસોડા અને ઘરઆંગણાના ઔષધો તેમજ રોગ અનુસાર પથ્યાપથ્ય અંગે માહિતગાર કરવામાં આવ્યા.
આ ઉપરાંત રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તા. ૨૦ સપ્ટેમ્બરના રોજ હરિત આયુર્વેદ કાર્યક્રમ અંતર્ગત ૧,૨૦૦થી વધુ ઔષધીય રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ