અમરેલી, 5 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ (એલ.સી.બી.) દ્વારા ધારી પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કેબલ વાયર ચોરીના કેસમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સોર્સના આધારે તદ્દન કુશળતાથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી ધારી વિસ્તારના બે અનડીટેક્ટ ગુનાઓને પણ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી ધારી તાલુકામાં કેબલ વાયર ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળતો હતો. જેના કારણે સ્થાનિક કેબલ ઓપરેટર અને ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. પોલીસ દ્વારા ઘટના અંગે ગંભીરતા દાખવતા એલ.સી.બી.ની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. ટીમે ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરી ચોરીની જગ્યાઓ નજીકના સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ ડેટાની તપાસ શરૂ કરી.
ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પૂછપરછ હાથ ધરતાં તેમણે ધારી અને આસપાસના વિસ્તારોમાં થયેલી કેબલ વાયર ચોરીના ગુનાઓની કબૂલાત કરી. પોલીસએ તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકે એલ.સી.બી.ની ટીમના ઝડપી અને અસરકારક કામગીરી માટે પ્રશંસા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી આધારિત તપાસ અને જનસહયોગથી ગુનાખોરી પર વધુ અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકાય છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
આ સફળ કાર્યવાહીથી ધારી વિસ્તારમાં પોલીસ પ્રત્યે નાગરિકોમાં વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ચોરીના ગુનાઓમાં ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai