સુરત, 5 ઓક્ટોબર (હિ.સ.): ઉધના ખરવરનગર વિસ્તારમાં વહેલી સવારે થયેલી ગંભીર ઘટનામાં એક બેકાબૂ ટ્રેલર રોકડિયા હનુમાન મંદિરમાં ઘૂસી ગયું હતું. ટ્રેલર દારૂના નશામાં ચૂર ડ્રાઇવરે હંકાર્યું હતું, જે પહેલાં એક રિક્ષાને ટક્કર મારી ત્યારબાદ મંદિરની દીવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે મંદિરના આગળના ભાગને ભારે નુકસાન થયું, જોકે સદભાગ્યે હનુમાનજીની મુખ્ય પ્રતિમા અને ગર્ભગૃહને કોઈ ઇજા પહોંચી નહોતી.
સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે ટ્રેલરચાલક અને તેના સાથીઓને પકડી પાડ્યા અને પોલીસને સોંપી દીધા. પ્રાથમિક તપાસમાં ત્રણેય વ્યક્તિ દારૂના નશામાં હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેને કસ્ટડીમાં લીધા છે અને ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માત બાદ સ્થાનિક ભક્તો અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારના કોર્પોરેટરો અને આગેવાનો તાત્કાલિક પહોંચી ગયા હતા અને નુકસાનની માહિતી મેળવી હતી. પોલીસ હાલમાં અકસ્માતના ચોક્કસ કારણો, ડ્રાઇવરની નશાની હાલત અને અન્ય કાયદાકીય પાસાઓની તપાસ કરી રહી છે.
રાહતની વાત એ છે કે હનુમાનજીની મૂર્તિને કોઈ નુકસાન થયું નથી, પરંતુ મંદિરના આગળના ભાગની દીવાલ અને માળખાને ભારે નુકસાન થયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે