ગાંધીનગર, 5 ઓક્ટોબર (હિ.સ.): ગાંધીનગર મહાનગરપાલિકા અને યુનીટી રનર્સ દ્વારા વિજ્યાદશમી રનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૪ ઓક્ટોબર શનિવારે ગાંધીનગર સેક્ટર ૨૧ એલઆઈસી મેદાન ખાતે એક સાથે ૧૨૫ રનર્સે આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં ઝુમ્બા ટ્રેનર પ્રજ્ઞાબેન ગજરે એનર્જીટીક મ્યુઝિક સાથે સૌને સરસ મજાનો ઝુમ્બા ડાન્સ કરાવ્યો હતો. પિન્કી જહા દ્વારા સૌને યુનિટી રનર્સ ગ્રુપના નીતિ નિયમો અને ઉદ્દેશનો ખ્યાલ આપવામાં આવ્યો હતો. પિન્કી જહાએ સરસ મજાની ફન ફિટનેસ ગેમ રનર્સને રમાડી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગર મહાનગર પાલિકાના સેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ અને શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. એમની સાથે ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર જે. એન. વાઘેલા પણ ઉપસ્થિત હતા. ત્રણેય મહાનુભાવોને યુનિટી રનર્સના સભ્યો દ્વારા બુકે નહીં પણ બુક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિટી રનર્સે પોતાની નવી આકર્ષક ટીશર્ટ લોન્ચ કરી હતી. આ ટી-શર્ટ સૌને ભેટમાં આપવામાં આવશે.
ગાંધીનગર મહાનગર પાલિકાના આ ત્રણેય મહાનુભાવો સાથે મેરેથોન રનર જગત કારાણી, સંજય થોરાત અને પિન્કી જહાએ ફ્લૅગ ઓફ કરીને રનર્સને ગ્રીન સિગ્નલ આપ્યું હતું. એક સાથે ૧૨૫ રનર્સ મિત્રોએ આ રૂટ ઉપર રન કરીને આ દિવસને યાદગાર બનાવ્યો હતો. વિજ્યાદશમી પર્વ નિમિત્તે સૌએ આખું વર્ષ મેદાન પર રહી પોતાને ફીટ રાખવા નિર્ધાર કર્યો હતો. વિજ્યાદશમી રનના અંતમાં સૌએ સાથે મળીને સમુહ તસવીર લીધી હતી. વિજ્યાદશમી હોવાના કારણે સૌને ફાફડા અને જલેબીનો અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાંધીનગર મહાનગર પાલિકા અને યુનિટી રનર્સ ક્લબના સ્ટીફન મુકાલેલ, નવીન પોડુવાલ, સાત્વિક ત્રિવેદી, પિન્કી જહા અને સંજય થોરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને આવનારા સમયમાં આ બધા મિત્રો વિવિધ પ્રકારની મેરેથોનમાં ભાગ લેશે એ માટે એમને ટ્રેનિંગ આપવામાં આવશે. ફિટ ઇન્ડિયાના નેજા હેઠળ આ બધા જ મિત્રો અવનવા પ્રકારના ફિટનેસિંગ કાર્યક્રમ આયોજિત કરશે. નિઃશુલ્ક કાર્ય કરતી યુનિટી રનર્સ ક્લબમાં ફિટ રહેવા જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ