પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પોરબંદર જિલ્લાના મુળ માધવપુર તેમજ જુનાગઢ જિલ્લાના શીલ ગામ ખાતે આવેલ શીલ બંધારા તથા નેત્રાવતી નદી વિસ્તારની મુલાકાત લીધી હતી.
મંત્રીએ પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ મધુવંતી નદીની મુલાકાત લીધી અને નદીમાં પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નેત્રાવતી–મધુવંતી નદીને જોડતી કેનાલનું આત્રોલીથી મધુવંતી નદી સુધીનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ મંત્રીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામ ખાતે નેત્રાવતી નદીની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન નદી પર નવો બંધારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન માંગરોળ–માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા અગ્રણી રાજાભાઈ ભરડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya