મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ ગામમાં આવેલું મા હરસિદ્ધ શક્તિપીઠ લગભગ 1200 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. આ પ્રાચીન મંદિર ધાર્મિક આસ્થા અને ભક્તિનું પ્રતિક છે, જ્યાં સંતાનપ્રાપ્તિ માટે દેશભરના દંપતિઓ માનતા રાખે છે. દશેરાના દિવસે અહીં ચાંદી, તાંબા તથા માટીના ગરબા માતાજીને અર્પણ કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે. સંતાન ન હોય તેવા દંપતિ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્ત થયા પછી માતાજીને ગરબો ચઢાવે છે, તેથી દશેરાએ મંદિર પરિસર ચાંદીના ગરબાથી ઝળહળતું બની જાય છે.
કહેવાય છે કે રાજા સિદ્ધરાજ જયસિંહે ઉજ્જૈનની હરસિદ્ધ માતાને લાડોલ લાવી અહીં આ શક્તિપીઠની સ્થાપના કરી હતી. તંત્રશાસ્ત્રોમાં હરસિદ્ધ માતા અષ્ટભુજાધારી દેવી તરીકે વર્ણવાય છે, જેઓ કમળ ઉપર બિરાજમાન છે. માતાના આ મંદિરને ઉત્તર ગુજરાતનું એક પ્રખ્યાત તંત્ર-શક્તિપીઠ માનવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન અહીં રોજ ફરાળનો રાજભોગ ધરાવવામાં આવે છે અને 108 દીવાની આરતીથી મંદિર પ્રાંગણ ભક્તિભાવથી ગુંજી ઊઠે છે. લાડોલનું આ શક્તિપીઠ આજે પણ ભક્તોની મનોકામના પૂરી કરનાર જાગૃત સ્થળ તરીકે જાણીતા છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો આશીર્વાદ મેળવવા ઉમટી પડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR