રાજપીપલા, 6 ઓકટોબર (હિ.સ.): વડોદરામાં દીકરાને મળવા માટે ગયેલી રાજપીપલાની એક માતા માટે પાછા ઘરે ફરવા માટેની રાત્રિ સફર દુષ્કર બની હતી. વડોદરાથી ડભોઈ સુધીની બસ તેને મળી ગઈ, પરંતુ ત્યાંથી રાજપીપળા જવા માટે કોઈ વાહન કે બસ મળી શકી નહોતી. મહિલા તિલકવાડા સુધી એક ખાનગી વાહનમાં આવી પરંતુ આ વિસ્તારમાં રસ્તા પર એકલી ચાલતી આ માતાની પરિસ્થિતિ જોઈને એક અજાણ્યા વ્યક્તિએ તેમને પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે મહિલાની આંખોમાં ભય સ્પષ્ટ દેખાતો હતો. પરંતુ એ જ સમયે, ત્યાંથી પસાર થતાં
અન્ય એક ભાઈએ હિંમત કરી અને મદદનો હાથ લંબાવ્યો. તેમને મહિલાઓ માટે 181 અભયમ્
હેલ્પલાઇનની યાદ આવી અને તરત જ કોલ કર્યો.થોડી જ ક્ષણોમાં અભયમ્ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે મહિલાને માત્ર વાહન વ્યવસ્થા પૂરી પાડી નહોતી, પરંતુ સૌથી પહેલા મહિલાને શાંતિપૂર્વક સાંભળીને કાઉન્સેલિંગ કર્યું હતું. તેમની ભીતિ દૂર કરી અને વિશ્વાસ અપાવ્યો કે હવે તેઓ એકલા નથી, અભયમ્ તેમની સાથે છે.
ટીમે તાત્કાલિક વ્યવસ્થા કરી મહિલાને સુરક્ષિત રીતે રાજપીપળા સુધી પહોંચાડ્યા હતા. ઘરે પરત ફર્યા પછી આ માતાની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે આભારના આંસુ હતા.
તેમણે અભયમ્ ટીમ વિશે કહ્યું – મને લાગ્યું હતું કે, હું હવે ક્યાં જાઉં? પરંતુ અભયમ્એ મને દીકરી સમજીને સહારો આપ્યો. આજે હું સુરક્ષિત ઘરે પહોંચી શકી છું. આ સેવા મારી જેવી કેટલીયે મહિલાઓ માટે રક્ષણ કવચ સમાન છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ