અમદાવાદમાં ભીલ સમાજની લવ મેરેજ માટે પેરેન્ટ્સ સંમતિની માંગ સાથે રેલી
- માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ - અન્ય સમાજમાં દીકરી નહીં આપવાનો ભીલ સમાજનો નિર્ણય અમદાવાદ, 6 ઓકટોબર (હિ.સ.): સમાજમાં લવ મેરેજ અને મૈત્રી કરાર જેવા લગ્ન સંબંધિત ગંભીર સામાજિક સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા
અમદાવાદમાં ભીલ સમાજની લવ મેરેજ માટે પેરેન્ટ્સ સંમતિની માંગ સાથે રેલી


- માતા-પિતાની સહી ફરજિયાત બનાવવા માંગ

- અન્ય સમાજમાં દીકરી નહીં આપવાનો ભીલ સમાજનો નિર્ણય

અમદાવાદ, 6 ઓકટોબર (હિ.સ.): સમાજમાં લવ મેરેજ અને મૈત્રી કરાર જેવા લગ્ન સંબંધિત ગંભીર સામાજિક સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ દ્વારા દ્વારા અમદાવાદના અસારવા કુબેરપુરા વિસ્તારમાં રેલી અને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આદિવાસી સમાજના આગેવાનો, સરપંચો અને મુખીઓએ ગુજરાત સરકાર સમક્ષ કોર્ટ મેરેજ અને પ્રેમ લગ્નોમાં માતા-પિતાની સહી ફરજિયાત બનાવવાનો કાયદો ઘડવાની માગણી કરી છે.

સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ કરશન મુખતલાલ રાણાએ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને એક વિનંતી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે વર્તમાન સમયમાં દીકરા-દીકરીઓ દ્વારા કોર્ટ મેરેજ, સમૂહ લગ્ન કે મૈત્રી કરાર દ્વારા જે લગ્નો કરવામાં આવે છે, તેમાં માતા-પિતાની સંમતિ હોતી નથી અને ઘણીવાર તેમને જાણ પણ કરવામાં આવતી નથી. આવી સ્થિતિમાં જ્યારે દીકરીઓ પરિવારને પૂછ્યા વગર કે સંમતિ વગર ફરાર થઈને પ્રેમ લગ્ન કરી લે છે, ત્યારે કૌટુંબિક અને સામાજિક સ્તરે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે.

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટે ભારપૂર્વક માગણી કરી છે કે, કોર્ટ મેરેજમાં યુવક-યુવતીના માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન વખતે માતા-પિતાની હાજરી પણ જરૂરી હોય તેવો કડક કાયદો ગુજરાત સરકારે લાવવો જોઈએ. મૈત્રી કરારમાં પણ મા-બાપની મંજૂરી સિવાય કોર્ટ દ્વારા લગ્ન ન થાય, તે માટે યોગ્ય કાયદાકીય જોગવાઈ થવી જોઈએ.

સમાજના પ્રમુખ કરશન રાણા તેમજ નવગામ ભીલ સમાજના પ્રમુખ આશા લિડીયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને પાટીદાર સમાજ તેમજ લેઉવા પટેલ સમાજે આવા લગ્નો સામે શરૂ કરેલા આંદોલન અને માગણીને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યા માત્ર આદિવાસી સમાજની નહીં, પરંતુ તમામ સમાજને સ્પર્શે છે, તેથી સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

આ સામાજિક મુદ્દાના ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટ દ્વારા એક કડક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ભીલ સેવા સમાજે ચેતવણી આપી છે કે સમાજનો કોઈ સભ્ય અન્ય સમાજમાં દીકરી આપશે નહીં. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેવા વ્યક્તિ કે પરિવારને સમાજ તેમનો સ્વીકાર કરશે નહીં.

આ પગલાં દ્વારા ભીલ સમાજ પોતાની દીકરીઓને સુરક્ષિત કરવા અને પારિવારિક માળખું જાળવી રાખવા માંગે છે. આ અંગેની રજૂઆત ગુજરાત સરકાર સમક્ષ સત્તાવાર રીતે કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande