સિલિગુડી (પશ્ચિમ બંગાળ), નવી દિલ્હી, 6 ઓક્ટોબર (હિ.સ.). દાર્જિલિંગ અને ઉત્તર બંગાળની આસપાસના વિસ્તારોમાં સતત ભારે વરસાદે તબાહી મચાવી છે. છેલ્લા 12 કલાકમાં 261 મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક પ્રવાસીઓ વિવિધ વિસ્તારોમાં ફસાયેલા છે. રાજ્ય સરકારે રાહત અને બચાવ કામગીરી વધુ તીવ્ર બનાવી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે ઉત્તર બંગાળની મુલાકાત લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે.
સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા 27 વર્ષમાં આવી ગંભીર પરિસ્થિતિ જોવા મળી નથી. છેલ્લી વખત આવી આપત્તિ 1998માં આવી હતી. મિરિક અને સુખિયાપોખરી વિસ્તારોમાં સૌથી વધુ નુકસાન થયું છે. ઘણા ઘરો અને રસ્તાઓ તૂટી પડ્યા છે, જ્યારે કેટલાક પુલ ધોવાઈ ગયા છે. મિરિક વિસ્તારમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (એનડીઆરએફ), રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, સેના અને સ્થાનિક પોલીસ રાહત કામગીરીમાં રોકાયેલા છે. જોકે, ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં ઘણી વખત અવરોધ ઉભો થયો હતો. દુધિયા, દામફેદર અને દારાગાંવ જેવા વિસ્તારોમાં ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અનેક હોમસ્ટે અને BSF કેમ્પને પણ નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ રવિવાર સવારથી નબન્નાના કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે કહ્યું, અકસ્માત કોઈના નિયંત્રણમાં નથી. અમે દુઃખી છીએ. મેં ઉત્તર બંગાળના પાંચ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી છે. હું સવારથી પરિસ્થિતિ પર નજર રાખી રહી છું અને સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ઉત્તર બંગાળ પહોંચીશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું, દાર્જિલિંગ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર પીડિતોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.
પ્રવાસીઓ ફસાયેલા, રસ્તાઓ બંધ. મોટા પાયે ભૂસ્ખલન અને પુલ તૂટી પડવાના કારણે, સિલીગુડી, દાર્જિલિંગ, કાલિમ્પોંગ અને સિક્કિમ વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. સિલીગુડીથી સિક્કિમ અને કાલિમ્પોંગ સુધી જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 10 બંધ છે. અનેક સ્થળોએથી મળતા અહેવાલો દર્શાવે છે કે તીસ્તા નદીનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. વૈકલ્પિક માર્ગ, 717 પણ બંધ છે. તેવી જ રીતે, સિલીગુડીથી દાર્જિલિંગ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 55 અને રોહિણી રોડ પર પણ ટ્રાફિક અવરોધિત છે. દુધિયા પુલ તૂટી પડવાથી મિરિક સાથે વ્યવહારિક રીતે બંધ થઈ ગયો છે.
જોકે, પંખાબારી રોડ અને દાર્જિલિંગ-માંગપુ રોડ જેવા વૈકલ્પિક માર્ગો પર આંશિક ટ્રાફિક ચાલી રહ્યો છે. વહીવટીતંત્રે મિરિકમાં ફસાયેલા પ્રવાસીઓને નલપટોંગ-લોહાગઢ માર્ગ દ્વારા સિલીગુડી પહોંચવાની વ્યવસ્થા કરી છે. મમતા બેનર્જીએ ફસાયેલા પ્રવાસીઓને ગભરાશો નહીં અને જ્યાં છે ત્યાં જ રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, હોટેલ સંચાલકોએ કોઈપણ પ્રવાસીઓ પાસેથી વધારાનું ભાડું ન વસૂલવું જોઈએ. દરેકના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરવી સરકારની જવાબદારી છે.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ દાર્જિલિંગ દુર્ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને પક્ષના કાર્યકરોને પીડિતોની મદદ માટે આગળ આવવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું, માતા દુર્ગાના આશીર્વાદથી, આપણે આ સંકટને દૂર કરીશું. જીટીએના વડા અને પ્રજાતાંત્રિક મોરચાના નેતા અનિત થાપાએ અહેવાલ આપ્યો કે ફક્ત મિરિક વિસ્તારમાં જ 15 લોકોનાં મોત થયા છે. તેમણે કહ્યું કે, વહીવટીતંત્ર, ઇજનેરો, બીડીઓ, સબ-ડિવિઝનલ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ બધા રાહત કાર્યમાં રોકાયેલા છે. દાર્જિલિંગના સાંસદ રાજુ બિસ્તાએ કેન્દ્ર સરકારને રાજ્યને આપત્તિ ક્ષેત્ર જાહેર કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકરોને રાહત કાર્યમાં ભાગ લેવા અને સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
વિનાશ કેવી રીતે થયો: શનિવાર રાતથી શરૂ થયેલા મુશળધાર વરસાદથી પર્વતો હચમચી ગયા. સતત ધોધમાર વરસાદથી માટી છૂટી ગઈ અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું. દુધિયા, સૌરેની, દામફેદર અને દિલારમ જેવા વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ ધોવાઈ ગયા. પાણીના સ્તરમાં વધારો થવાને કારણે તીસ્તા અને દુધિયા નદીઓ પૂરમાં છે. વહીવટીતંત્રે લોકોને ઉંચી જમીન પર જવા અને સતર્ક રહેવા વિનંતી કરી છે. રાહત શિબિરોમાં ખોરાક અને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ