મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કડી તાલુકાના છેવાડે આવેલું નાનકડું ગામ જમિયતપુરા, જેને “ઠીકરીયા” તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં આવેલી જમિયતપુરા પ્રાથમિક શાળા આજે સમગ્ર જિલ્લામાં “ગ્રીનશાળા” તરીકે પ્રખ્યાત છે. અહીં શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કાર, પ્રકૃતિપ્રેમ અને જવાબદારીનો સંદેશ પાથરાય છે.
શાળાના નાનકડા પ્રાંગણમાં ૧૨૦થી વધુ વનસ્પતિ અને ૪૫થી વધુ ઔષધિઓ ઉછેરવામાં આવી છે. અહીંના કિચન ગાર્ડનમાં ઉગાડાતી શાકભાજી — દૂધી, ભીંડા, ટામેટા, કોથમીર જેવી — મધ્યાહ્ન ભોજનમાં વપરાય છે, જેના કારણે બાળકોને પોષક અને રસાયણમુક્ત આહાર મળે છે.
શાળામાં વરસાદી પાણીનો સંગ્રહ, ટપક સિંચાઈ અને વોટર મીટર જેવી જળ વ્યવસ્થાપન પદ્ધતિઓ અમલમાં છે, જેના પરિણામે શાળાને રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં “બેસ્ટ સ્કૂલ” કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. દિવાલો પરના રંગીન ચિત્રો શિક્ષણ જીવંત બનાવે છે, જ્યારે શિક્ષકો પોતાના જન્મદિવસે શાળાને દાન આપી અનોખી પરંપરા જાળવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR