સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં તાજેતરમાં જ કરૂણા એનિમલ એમ્બુલન્સે આઠ વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત 6 ઓકટોબર 2017 થી શરૂ કરવામાં આવેલ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા અનેક અબોલ પશુ પક્ષીઓને સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપી આ અબોલ જીવો માટે દેવદૂત સમાન સાબિત થઈ છે.પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ.એમ આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે વેરાવળ શહેરમાં બિનવારસી પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરૂણા એનિમલ એમ્બુલન્સ સેવા કાર્યરત છે. જે વેરાવળ શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ઈ.એમ.આર.આઈ.-જી.એચ.એસ.અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાએ ૬ ઓક્ટોબર ૨૦૧૭થી વર્ષ ૨૦૨૫ સુધીમાં 25202 મૂંગા પશુઓને સારવાર આપી નવજીવન આપ્યું છે.
છેલ્લા એક વર્ષમાં જ કરૂણા એનિમલ એમ્બુલન્સ દ્વારા 4128 શ્વાન, 924 ગાય, 277 બિલાડી, 113 કબૂતર, સહિત સુરખાબ, અજગર, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા, ઉંટ, બાજ વગેરે મળી કુલ 5457 પશુ–પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરાઈ છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના તાલીમબદ્ધ કર્મચારીઓ તમામ દવાઓ તેમજ અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસુ પશુ-પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર પર સંપર્ક કરતા આ સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં જરૂર જણાયે તાત્કાલિક સ્થળ પર જ નાના-મોટા તેમજ જટીલ ઓપરેશન પણ કરવામાં આવે છે.
કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના પ્રોગ્રામ મેનેજર ડો.મહેન્દ્ર તથા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોજ ચૌહાણ દ્વારા નગરના કોઈપણ વિસ્તારમાં રખડતા કૂતરા, બિલાડી, કબૂતર કે કોઈ પણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત કે બીમાર હાલતમાં જોવા મળે તો તુરંત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર પર ફોન કરી સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ