જુનાગઢ, 7 ઓક્ટોબર (હિ.સ.) નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસન પગલાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અનેકવિધ લોકલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
માળીયા ના ખોરાસા ગામે આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા જૂનાગઢ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મીરાબેન સોમપુરાએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઓક્ટોબર મહિનામાં એક અઠવાડિયા માટે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં છેવાડાના ગામડા સુધી વિકાસ રથ ફરે છે. લોકોને સ્થળ પર જ આરોગ્ય, પોષણ, ખેતીવાડી, પશુપાલનથી લઈને આધારકાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડમાં સુધારા કરાવવા, જમીનના દાખલા મેળવવા વગેરે સુવિધા સરળતાથી પ્રાપ્ત થાય છે અને લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ આમંત્રિતોના હસ્તે વિતરણ કરવામાં આવે છે. જેમાં બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો ભાગ લે તે ઇચ્છનીય છે. સરકાર વિકાસ સપ્તાહના માધ્યમથી તમારા ઘર આંગણા સુધી આવે છે.
તા.૦૭ઓક્ટોબરના રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં આવેલ ખોરાસા ગીર ગામેથી વિકાસ સપ્તાહ ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક તાલુકામાં ત્રણ ગામમાં રથનું સ્વાગત કઈ યોજના કે કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય વડે અને પ્રાર્થના બાદ કુમકુમ તિલક સાથે પુષ્પગુચ્છ અર્પણ કરીને કરાઈ હતી. ઉપસ્થિત સર્વેએ વિકાસ રથમાં વિકાસ સપ્તાહની રાજ્યભરની કામગીરીની ઝલક દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.
ત્યારબાદ લાભાર્થીઓએ સ્ટેજ ઉપરથી પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને અન્યોને પણ વિવિધ સરકારી યોજનાઓથી લાભાન્વિત થવા માટે પ્રેરણા આપી હતી. મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આમ અલગ અલગ યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેકનું અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ખોરાસા ગીર સરકારી પ્રાથમિક શાળાના પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ગામના સરપંચએ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સર્વેએ વિકસિત ભારત ૨૦૪૭ માં પોતાની ભાગીદારી નોંધાવવા, નશામુક્તિ ભારત અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન અન્વયે શપથ ગ્રહણ કર્યા હતા.
ઉક્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ સરપંચ, જિલ્લા આયોજન અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી આજુબાજુના ગામમાંથી પધારેલા આગેવાનો, લાભાર્થીઓ અને બહોળા પ્રમાણમાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ