જુનાગઢ ૭ ઓક્ટોબર (હિ.સ.) ખરીફ, રવિ અને ઉનાળુ ઋતુમાં ભારે વરસાદ, પુર, કમોસમી વરસાદ, વાવઝોડુ વગેરે જેવી કુદરતી આપત્તિઓથી થયેલ પાક નુકશાન અંગેનો સર્વે ડિજિટલ રીતે કરવા રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
જેમાં રાજ્ય કક્ષાએથી સેટેલાઇટ આધારિત પાક નુકશાનીનો અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે નંબર વાર પ્રાથમિક રિપોર્ટ મળ્યા બાદ જિલ્લા કક્ષાએથી તેનો ડિટેલ સર્વે કરાવવામાં આવશે. જેમાં ખેડૂતો દ્વારા અત્રે જણાવ્યા અનુસાર બાબતો ધ્યાનમાં લેવાની રહેશે.
ખેડૂતે ખેડુત નોંધણી (Farmer Registry) કરાવવાની રહેશે. Farmer Registry (ખેડુત નોંધણી) કરેલ ખેડૂતો જ કૃષિ પ્રગતિ મોબાઇલ એપ પર નુકશાનગ્રસ્ત ખેતરનો ફોટો જાતે અપલોડ કરી શકશે. જો ખેડુત જાતે ન કરી શકે તો ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઇ. તેમજ ગામમાં મોબાઇલનો ઉપયોગ કરી શકતા નાગરિકો પાસે આ કામગીરી કરાવી શકાશે.
સર્વે કરનાર નુકશાનગ્રસ્ત ગામના દરેક સર્વે નંબરના ફોટા જિઓ ટેગીંગ સાથે કૃષિ પ્રગતિ મોબાઇલ એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. આ કામગીરી માટે સંબંધિતને ખેતર વાઇઝ રૂ.૨૫ સુધી ચુકવી શકાશે. ઉક્ત સર્વેની કમગીરીનું સુપરવિઝન જે-તે ગામના ગ્રામસેવક સુપરવાઇઝર, ખેતી મદદનીશઅથવા જિલ્લા કક્ષાએથી નિમણુંક કરેલ અધિકારીદ્વારા કરવામાં આવશે. ઉપર મુજબનો સર્વે થયા બાદ જ તેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારીમદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ