મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા–ગોઝારિયા રાજમાર્ગ પર આવેલ રેલવે ફાટક ક્રમાંક 78 આવતીકાલથી તા. 9 ઓક્ટોબર સુધી બંધ રહેશે. રેલવે વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, ફાટક પર આવશ્યક મરામત અને ટ્રેક રીન્યુઅલના કામને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન ફાટક પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે.રેલવે અધિકારીઓએ જણાવ્યુ છે કે કામકાજના સમયગાળામાં સ્થાનિક લોકોને અને વાહનચાલકોને અન્ય વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને મહેસાણા અને ગોઝારિયા વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોને સમયસર માર્ગ બદલવાની વિનંતી કરવામાં આવી છે.સ્થાનિક તંત્ર અને ટ્રાફિક પોલીસ દ્વારા ફાટક બંધ રહેશે તે અંગે સૂચના બોર્ડ અને માર્ગદર્શન વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. મરામત પૂર્ણ થયા બાદ ફાટક ફરી સામાન્ય રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. રેલવે વિભાગે લોકોને થતી તાત્કાલિક અસુવિધા બદલ માફી પણ માંગી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR