જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરમાં 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત SRPF જૂથ-૧૭, ચેલા ખાતે જવાનો અને તેમના પરિવારજનો માટે એક વિશેષ આરોગ્ય શિબિર અને નિદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.આર.પી.એફ. જૂથ-૧૭ ચેલાના સેનાપતિ કોમલ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં જવાનો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રીમાતાઓ સહિત પરિવારના કુલ ૧૬૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. ડી.વાય.એસ.પી. એમ.બી. જુડાલ અને ડી.વાય.એસ.પી. એન.એમ. પટેલે આ શિબિરને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે લાભાર્થીઓને વિવિધ રોગોનું સ્ક્રીનિંગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બિન-ચેપી રોગો જેવા કે હૃદયરોગ, એનીમિયા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને ઓરલ કેન્સરનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માતૃ અને બાળ આરોગ્ય અંતર્ગત સગર્ભા તેમજ ધાત્રીમાતાઓની તપાસ અને માર્ગદર્શન, કિશોરીઓમાં એનીમિયા અંગેની તપાસ પણ હાથ ધરાઈ હતી. અન્ય તપાસમાં દ્રષ્ટિ ખામી અંગે તપાસ, ટીબી સ્ક્રીનિંગ, હાડકાની તપાસ તેમજ ચામડીના રોગો વિષે જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આરોગ્ય શિબિર દરમિયાન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં નોંધનીય પહેલ કરતાં ૫ જેટલા એસ.આર.પી.એફ. જવાનોએ ટીબીની દવા લેતા દર્દીઓ માટે નિ:ક્ષય મિત્ર તરીકે જોડાઈને સેવાભાવ દાખવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt