મહેસાણા, 6 ઓક્ટોબર (હિ.સ.): કડીના કરણનગર રોડ પર આવેલી હરસિદ્ધિ સોસાયટીમાં એક મહિલાએ ગળે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ, જસ્મીબેન જીતેન્દ્રકુમાર પટેલે પોતાના નિવાસસ્થાનના ઉપરના માળે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવલેણ પગલું ભર્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને જસ્મીબેનને તરત નીચે ઉતારી કુંડાળની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાંના ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ જસ્મીબેનને મૃત જાહેર કરી હતી.
આ ઘટના બાદ પરિવારજનો અને આસપાસના રહેવાસીઓમાં શોકનું મોજું ફેલાયું છે. પ્રાથમિક માહિતી મુજબ, આત્મહત્યાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. કડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR