પાટણ, 6 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ મથક વિસ્તારમાં પોલીસે એક મહિન્દ્રા પીકઅપ ડાલામાંથી 24 પશુઓ (1 પાડી અને 23 પાડા)ને ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક હેરાફેરી કરતા ઝડપ્યા છે. આરોપીઓએ પશુઓને ટૂંકી રસ્સીથી ગીચ રીતે બાંધી રાખ્યા હતા જેથી એકબીજાની ચામડી ઘસાઈ રહી હતી અને તેમની માટે પાણી કે ઘાસચારાની કોઈ સગવડ નહોતી. ઉપરાંત, તેમની પાસે કોઈ સત્તાધિકારી પાસેથી હેરાફેરી માટે જરૂરી પાસ-પરમિટ પણ નહોતું.
આ મામલે હિતેશજી ઉર્ફ ચકુડી ખેમાજી પારૂજી સોલંકીએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે પીકઅપ GJ 02 AT 7754ના ડ્રાઈવર ઇરફાન સિદ્રીકભાઇ મેવાણી (ઉ.વ. 32) અને તેની સાથે બેઠેલા હયાન મુહમદઅલી નીલગર (ઉ.વ. 20), બંને રહે. અમદાવાદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ તપાસમાં પીકઅપના માલિક ગોરઘનભાઈ (મહેસાણા) અને ખાલીદભાઈ (ડીસા)ને પણ આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યા છે. સરસ્વતી પોલીસે આ ચારેય વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(1), 11(1)(ય), 11(1)(એચ), 11(1)(જે) તથા જી.પી. એક્ટની કલમ 119 હેઠળ ગુનો નોંધ્યો છે. કુલ રૂ. 5,50,000/-નો મુદ્દામાલ – જેમાં 24 પશુઓ, પીકઅપ ડાલા (રૂ. 5,00,000/-) અને 2 મોબાઇલ ફોન (રૂ. 2,000/-)નો સમાવેશ થાય છે – કબજે કરવામાં આવ્યો છે. કાયદેસરની આગળની કાર્યવાહી ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ