જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરની એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમ્યાન રાજ્યવ્યાપી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત આરોગ્ય સેવાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓના આરોગ્યની ચકાસણી, સમયસર સારવાર, તેમજ સમાજમાં પરિવાર સશક્તિકરણનો સંદેશ પહોંચાડવાનો હતો.
અભિયાન દરમ્યાન એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ દ્વારા કુલ 22 સ્ક્રિનિંગ અને સ્પેશિયાલિટી કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 13 કેમ્પ જી.જી. હોસ્પિટલ ખાતે તથા 9 કેમ્પ જિલ્લા, સી.એચ.સી. અને યુ.સી.એચ.સી. સ્તરે યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં વિશેષ તજજ્ઞ ડૉક્ટરો દ્વારા નિદાન અને સારવાર સાથે આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર અભિયાન દરમ્યાન કુલ 26,297 લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જેમાં 20,986 મહિલાઓ અને 5,311 પુરુષો સામેલ થયા હતા. મહિલા આરોગ્ય જાગૃતિ માટેના આ અભિયાનને મહિલાઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી ભાગ લીધો હતો.
સાથે સાથે રક્તદાનને પ્રોત્સાહન આપવા માટે IHBT વિભાગ અંતર્ગત કુલ 35 બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાંથી 2,094 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ સફળતા દ્વારા ભવિષ્યમાં ઇમરજન્સી પરિસ્થિતિઓમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે. સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન દ્વારા માત્ર આરોગ્ય સેવા જ નહીં પરંતુ સમાજમાં આરોગ્ય જાગૃતિ, મહિલાઓના સશક્તિકરણ અને સામાજિક સહભાગિતાનો સંદેશ પણ મજબૂત થયો છે. અભિયાનમાં મેડિકલ કોલેજના ફેકલ્ટી, રેસિડન્ટ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પરામેડિકલ ટીમો, સીડી મોબાઈલ ટીમ તેમજ સ્વયંસેવકોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt