જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રિનો તહેવાર પુર્ણ થતાં જ જામનગરમાં ફુલોનું ઉત્પાદન સાથે આવક વધતા ભાવ ગગળ્યા છે અને જે રુ.40 થી 50ના કીલોના ભાવ હતા તેના હાલ રુ. 10 થી 15 કીલોના થયા છે. તો ગુલાબના ભાવ સ્થિર થવા પામ્યા છે. જામનગરની બજારમાં નવરાત્રિના તહેવારમાં ફુલની માંગ વધુ રહેતા હજારી ગોટો, કલકતી કેશરી તેમજ પીળી ગોટી અને ગુલાબના ભાવ આસમાને રહ્યા હતા.
જેમાં હજારી ગલગોટાના ભાવ રુ.40 થી 60 સુધી તેમજ કલકતી કેશરી ગોટીના ભાવ રુ.40 થી 50 તેમજ પીળી ગોટીના ભાવ રુ.40 થી 60 તેમજ ગુલાબના ભાવ રુ.100 થી 150 સુધીના ભાવ રહેવા પામ્યા હતા. નવરાત્રિ પુર્ણ થતાં જ ફુલની માંગ ઘટતા ભાવ તળીયે ગયા છે. હાલ હજારી ગોટો તેમજ કલકતી કેશરી અને પીળી ગોટીના ભાવ કીલોના માત્ર રૂ.10 થી 15 છે. તો ગુલાબના ભાવમાં નજીવો ઘટાડો થયો હોય તેમ કીલોના રુ.100 છે. જામનગરમાં અમુક વિસ્તારોમાં જ ફુલોની ખેતી થતી હોવાથી ફુલ બજાર નાની છે. જેથી ફુલની બજારમાં માત્ર 200 થી 500 કીલો જેટલા ફુલો આવતા હોય છે. જેથી પ્રસંગમાં ઉપયોગ માટે બજારમાંથી કોઈ ફુલની વધુ ખરીદી કરી લે તો બજારમાં ભાવ વધી જતાં હોય છે. જેથી ફુલના ભાવ દૈનિક વધ-ઘટ થયા રાખે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt