જામનગર, 6 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર એલસીબીએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થયેલી ત્રણ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રોકડ, મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,16,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
જામનગર એલસીબીના સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીના આધારે, એલસીબી સ્ટાફે જામનગર શહેરમાં ગવર્નમેન્ટ કોલોની સામેથી મેહુલ નરશીભાઈ સોલંકી (રહે. દરેડગામ, હાલ ગોકુલનગર, જામનગર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે મેહુલ સોલંકી પાસેથી બે ચોરાયેલા મોટરસાયકલ (કિંમત ₹70,000), ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક મોટરસાયકલ (કિંમત ₹40,000), ₹1,500 રોકડા અને એક વીવો કંપનીનો મોબાઈલ ફોન (કિંમત ₹5,000) મળી કુલ ₹1,16,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને વધુ તપાસ માટે સિટી બી પોલીસ સ્ટેશન મોકલી અપાયો છે. આરોપી મેહુલ સોલંકીએ કબૂલ્યું હતું કે તેણે તેના મિત્રો સાથે મળીને આશરે પંદર દિવસ પહેલા જામનગર બસ સ્ટેન્ડ નજીકથી એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની ચોરી કરી હતી. આ મોટરસાયકલનો ઉપયોગ કરીને તેણે ભાણવડ તાલુકાના વેરાડ ગામે રાત્રિના સમયે એક મકાનમાંથી ભગવાનના સોનાના દાગીના અને ₹25,000 રોકડાની ચોરી કરી હતી. ઉપરાંત, એક દુકાન બહાર પાર્ક કરેલા અન્ય હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની પણ ચોરી કરી હતી.
લગભગ છ દિવસ પહેલા, તેણે તેના ભાઈ અને માસી-ફઈના દીકરાના ભાઈઓ સાથે મળીને જામનગરની જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી પણ એક મોટરસાયકલની ચોરી કરી હતી. આ ગુનાઓમાં ભાવેશ નરશીભાઈ સોલંકી (રહે. દરેડ), નવલેશ ઉર્ફે નવલો રાજુભાઈ ભાટી (રહે. તળાવની પાળ, જામનગર), ઈશ્વર જગદીશભાઈ મારવાડી (રહે. પોરબંદર), રાહુલ ઉર્ફે સિકો વાજેલીયા (રહે. ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા) અને અનિલ વાજેલીયા પણ સંડોવાયેલા છે, જેઓ હાલ ફરાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt